PF કપાવતા કર્મચારી માટે સારા સમાચારઃ ચાલુ નોકરીએ મૃત્યુ થાય તો આટલા લાખ સુધીનો મળશે વીમો

  • સર્વિસના સમયગાળા પ્રમાણે વીમાની રકમ નક્કી થાય
  • પોલીસી આપવા માટે ખાનગી કંપનીઓએ કર્મચારીઓના પગારમાંથી પ્રીમિયમ પેટે અલગથી રકમ ન કાપવાની શરત પણ મૂકેલી છે
  • નવી જોગવાઈ 15મી ફેબ્રઆરી 2020થી લાગુ પાડવાની જાહેરાત કરતું નોટિફિકેશન 28 એપ્રિલે બહાર પાડયું

એમ્પ્લોયિ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનની એમ્પ્લોયિ ડિપોઝિટ લિન્ક ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ પ્રોવિડન્ટ ફંડના સક્રિય સભ્યને એટલે કે નોકરીમાં ચાલુ હોય અને પ્રોવિડન્ટ ફંડ કપાઈને પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં જમા થતું હોય તેવા કર્મચારીઓને જીવન વીમાનો લાભ આપવામાં આવે છે. થોડા સમય પૂર્વે પ્રોવિડન્ટ ફંડનું એક્ટિવ એકાઉન્ટ ધરાવનારાઓને આપવામાં આવતા લાભની રકમમાં 15મી ફેબ્રુઆરી 2020થી અમલમાં આવે તે રીતે તેમાં સુધારો કરીની જીવન વીમાના લાભની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

એમ્પ્લોયિઝ ડિપોઝિટ લિન્ક ઇન્સ્યુરન્સ તરીકે ઓળખાતી સ્કીમ હેઠળ આ લાભ આપવામાં આવી રહ્યા છે. 15 ફેબ્રુઆરી 2020 સુધી સક્રિય ખાતાધારકોને રૂ. 2.5 લાખના વીમાનું કવચ આપવામાં આવતું હતું.

બીજા શબ્દોમાં કહીએ તો સક્રિય સભ્યનું એટલે કે નોકરીમાં ચાલુ હોય તેવી વ્યક્તિનું કોઈ કારણસર અવસાન થાય તો તેના પરિવારના સભ્યોને પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપરાંત રૂ. 2.5 લાખ વીમાના લાભ તરીકે આપવામાં આવતા હોય છે. આ યોજના હેઠળ મળતા મહત્તમ લાભની રકમ 28મી એપ્રિલ 2021થી આગામી ત્રણ વર્ષના ગાળા માટે વધારીને રૂ. 7 લાખ કરી દેવામાં આવી છે. તેમ જ તેમના પરિવારને ફેમિલી પેન્શનનો પણ ટેકો મળી રહે છે. 35 વર્ષ સુધીની વયના સંતાનોને પણ તેનો લાભ મળે છે.

ખાનગી સેક્ટરની કંપનીઓમાં નોકરી કરતાં કર્મચારીઓના જીવિત સભ્યને આ સ્કીમ હેઠળ લાભ આપવામાં આવે છે. એમ્પ્લોયિ લિન્ક ઇન્સ્યોરન્સ સ્કીમની શરૂઆત 1976થી કરવામાં આવી હતી. એમ્પ્લોયિ લિન્ક ઇન્સ્યોરન્સ સ્કીમનો લાભ લેવા માટે નોકરીમાં ચાલુ હોય અને જેમનું પ્રોવિડન્ટ ફંડ જમા થતું હોય તેવી વ્યક્તિઓએ જીવન વીમાનો લાભ મેળવવા માટે કોઈ જ પ્રીમિયમ ચૂકવવાનું આવતું નથી.

ખાનગી કંપનીના માલિક તરફથી જ પ્રોવિડન્ટ ફંડમાં કંપની દ્વારા જમા કરાવવામાં આવતા કંપનીના હિસ્સાની રકમ સાથે જ થોડું પ્રીમિયમ લઈ લેવામાં આવે છે. હા, ઘણી ખાનગી કંપનીઓ એમ્પ્લોયિ લિન્ક ઇન્સ્યોરન્સ સ્કીમમાં જોડાતી જ નથી.

ઈ.ડી.એલ.આઈ. તરીકે ઓળખાતી આ સ્કીમમાં ભાગ ન લેવા ઇચ્છતી ખાનગી કંપનીઓને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1952ની જોગવાઈ હેઠળ ચોક્કસ શરતોને આધીર રહીને છૂટ આપવામાં આવે છે. ઇ.ડી.એલ.આઈ. હેઠળ મળતી જીવન સુરક્ષાની પોલીસી કરતાં વધુ સારી વીમા પોલીસી કંપનીઓ લેતી હોય તો તેવા સંજોગોમાં કંપનીઓને આ યોજનાથી અલગ રહેવાની છૂટ આપવામાં આવે છે.

આ પોલીસી આપવા માટે ખાનગી કંપનીઓએ કર્મચારીઓના પગારમાંથી પ્રીમિયમ પેટે અલગથી રકમ ન કાપવાની શરત પણ મૂકવામાં આવેલી છે. તેઓ પ્રોવિડન્ટ ફંડ કચેરીની ઇ.ડી.એલ.આઈ. સ્કીમ વિના પણ આ વીમાયોજનાનો લાભ મેળવી શકે છે. ખાનગી કંપનીઓ ગ્રુપ ટર્મ ઇન્સ્યોરન્સ લેતી હોય છે. ગ્રુપ ઇન્સ્યોરન્સ લેતી કંપનીઓ માટે પ્રોવિડન્ટ ફંડ કચેરીની ઇ.ડી.એલ.આઈ. સ્કીમમાં જોડાવું ફરજિયાત નથી.

ઇ.ડી.એલ.આઈ. સ્કીમમાં જોડાયેલા કર્મચારીનું સંજોગવશાત અવસાન થાય તો તેવા કિસ્સામાં તેના પરિવારના સભ્યોને વીમાની રકમ મળે છે. નોકરિયાત વ્યક્તિને મળતા માસિક બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું અને તેના પ્રોવિડન્ટ ખાતામાંની સરેરાશ સિલકના પ્રમાણમાં તેના પરિવારની રકમને વીમાની રકમનો લાભ મળે છે. આ લાભની ઓછામાં ઓછી રકમ અને વધુમાં વધુ રકમ નિશ્ચિત કરવામાં આવેલી છે. માસિક રૂ. 15000નો પગાર ધરાવનારાઓને જ આ લાભ આપવામાં આવે છે.

કર્મચારીને તેના અવસાન પૂર્વેના છેલ્લા 12 માસમાં કેટલો સરેરાશ પગાર મળ્યો તે જોવામાં આવે છે. ઉપરાંત છેલ્લા બાર માસમાં તેના પ્રોવિડન્ટ ફંડના ખાતાની સરેરાશ સિલક 50 ટકા હોય તેમને આ લાભ આપવામાં આવે છે. સરેરાશ સિલકની મહત્તમ મર્યાદા રૂ. 1.75 લાખની રાખવામાં આવી છે. આ ફોર્મ્યુલાથી ઉપર ઊઠીને વાત કરવામાં આવે તો નોકરી કરતી વ્યક્તિને જીવન વીમાનો રૂ. 2.50 લાખનો ઓછામાં ઓછો લાભ મળવો જ જોઈએ. હા, તેણે સતત બાર મહિના નોકરી પણ કરેલી હોય તો જ તેને રૂ. 2.50 લાખના જીવન વીમાની રકમનો સંપૂર્ણ લાભ મળે છે.

વીમા રકમ ગણવા માટેનું ફોર્મ્યુલાનું ઉદાહરણ આપીને વાત કરીએ. નોકરી કરતી વ્યક્તિનું મૃત્યુ થાય અને તેના મૃત્યુ પૂર્વેના છેલ્લા બાર માસમાં તેને મળેલો માસિક પગાર રૂ. 20000 હોય અને તેના ખાતામાં સરેરાશ પ્રોવિડન્ટ ફંડનું બેલેન્સ રૂ. 2 લાખ છે. તેને રૂ. 7 લાખનું જીવનવીમાનું કવચ મળે છે. આ સંજોગોમાં તેનો સરેરાશ માસિક પગાર રૂ. 15,000 ગણીને તેનો 35થી ગુણાકાર કરવામાં આવે છે.

અગાઉ 30થી ગુણાકાર કરવામાં આવતો હતો. આ ગુણાકાર કરતાં જે રકમ આવે તેમાં 2 લાખનો ઉમેરો કરવામાં આવે છે. આ ઉમેરો કરતાં રૂ. 7.25 લાખ થાય છે. આ સંજોગોમાં તેને મળવા પાત્ર જીવન વીમાનું કવચ રૂ. 7 લાખનું થાય છે. જીવન વીમાની આ રકમ મૃતકે તેના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં નોમિની તરીકે જેનું નામ લખ્યું હોય તેને જ મળે છે. નોમિની તરીકે પત્ની, અપરણિત પુત્રી અને સગીર વયના સંતાનોને મૂકી શકે છે.

જીવનવીમાની આ રકમ મૃતકના પરિવારની તાત્કાલિક આર્થિક જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. પ્રોવિડન્ટ ફંડની કચેરી દ્વારા આપવામાં આવતું ફોર્મ 5 બરાબર ભરીને આપવામાં આવે અને મૃતકનું મૃત્યુનું પ્રમાણપત્ર, કેન્સલ કરેલા ચેકની નકલ આપવામાં આવે તેના 30 દિવસમાં પ્રોવિડન્ટ ફંડની કચેરી હિસાબ કરીને નાણાં ચૂકવી આપે છે.

Don`t copy text!