પેટ્રોલીયમ કંપનીઓનો ૯ માસમાં ૬૯૦૦૦ કરોડનો ધરખમ નફો

નવીદિલ્હી, વિશ્વસ્તરે ક્રુડતેલના ભાવો નીચા હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડો કરાતો નથી ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ ધરખમ નફો કરવા લાગી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જાહેરક્ષેત્રની ત્રણ પેટ્રોલીયમ કંપનીઓએ ૬૯૦૦૦ કરોડનો જંગી નફો કર્યો છે. વિશ્વસ્તરે ક્રુડમાં અભૂતપૂર્વ તેજીથી સર્જાયેલા તેલસંકટ પુર્વેના વર્ષો કરતા પણ નફાનો આ આંકડો ઘણો મોટો છે.

ભારતમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ જાહેરક્ષેત્રની સરકારી તેલ કંપનીઓ છે. તેલસંકટ પુર્વેના વર્ષોમાં ૩૯૩૫૬ કરોડના નફા સામે ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બરના ૯ મહિનાની કમાણી ઘણી વધુ છે.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં દૈનિક બદલાવ કરવા તથા વૈશ્વિક ક્રુડમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા સામે પેટ્રોલિયમ કંપનીઓને વાંધો છે. આ કંપનીઓનો એવો તર્ક છે કે ક્રુડતેલની કિંમત અસ્થિર છે. ગમે ત્યારે મોટી વધઘટ આવી જાય છે એટલું જ નહી, ભૂતકાળની નુકશાની હજુ સંપૂર્ણ રીતે સરભર થઈ શકી નથી.

ભારતમાં ઈંધણના રીટેઈલ વેચાણમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓનો હિસ્સો ૯૦ ટકા છે. અંદાજીત બે વર્ષથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. અન્યથા દેશમાં દૈનિક ભાવ બદલાવ કરવાની નીતિ અમલમાં છે. વિશ્વસ્તરે ક્રુડની કિંમત વધે તો તેલ કંપનીઓના માર્જીન પર દબાણ આવે છે. ક્રુડની કિંમત ઘટે તો મોટો નફો થાય છે.

ભારતમાં ચુંટણીવર્ષ છે ત્યારે લોકોને રાહત આપવા તથા રાજકીય લાભ મેળવવા પેટ્રોલ-ડિઝલના ૫થી૧૦ રૂપિયાનો ઘટાડો થવાની અટકળો વ્યક્ત થઈ રહી છે પરંતુ આવી કોઈ દરખાસ્ત હોવાની વાત સરકાર નકારી રહી છે.

ભારતમાં ૬ એપ્રિલ ૨૦૨૨થી પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. પેટ્રોલિયમ કંપનીઓના ધરખમ નફાને ધ્યાને રાખીને ભાવઘટાડો થવો જોઈએ તેવી લાગણી સામાન્ય લોકોમાં પ્રસરે તે સ્વાભાવિક છે.