જુલિયાકા,
પેરુમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ૧૨ લોકોના મોત થયા છે. પેરુમાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ડીના બોલ્યુઆર્ટેને હટાવવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સોમવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ૧૨ લોકો માર્યા ગયા હતા. આ ઘટના જુલિયાકા એરપોર્ટ પર બની હતી.
માર્યા ગયેલા ૧૨ લોકોમાં બે સગીર પણ સામેલ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, આ લોહિયાળ અથડામણ જુલિયાકા શહેરના દક્ષિણપૂર્વમાં પુનો રીજનમાં થઈ હતી. પ્રદર્શનકારીઓ દેશના રાષ્ટ્રપતિ ડીના બોલ્યુઆર્ટેને હટાવવાની માંગ કરી રહ્યા હતા. દીના બોલુઆર્ટેએ ૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પેરુના તત્કાલિન રાષ્ટ્રપતિ પેડ્રો કૈસ્ટિલોને હટાવ્યા બાદ તેમની ધરપકડ કરાવી હતી. ત્યારબાદથી જ બોલુઆર્ટેએ દેશની ગાદી સંભાળી છે.
પેરુ ઘણા વર્ષોથી રાજકીય અસ્થિરતાને કારણે સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કૈસ્ટિલો ભ્રષ્ટાચાર સંબંધિત તપાસનો સામનો કરી રહ્યા હતા. પ્રદર્શનકારી વામપંથી વિચારધારા વાળા પેડ્રો કૈસ્ટિલોને હટાવવાથી નારાજ છે અને તેઓ ઈચ્છે છે કે, ડીના બોલ્યુઆર્ટે રાજીનામું આપે અને દેશમાં તાત્કાલિક નવી ચૂંટણીઓ યોજવામાં આવે. પેરુમાં વર્ષ ૨૦૨૪માં ચૂંટણી યોજાવાની હતી જે હવે વધારીને ૨૦૨૬ કરવામાં આવી છે.
કૈલોસ મોંગે હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે જુલિયાકામાં સોમવારે માર્યા ગયેલા તમામ લોકોને ગોળી વાગી હતી. બીજી તરફ પેરુમાં પેડ્રો કૈસ્ટિલોના રાજીનામા બાદ શરૂ થયેલી અથડામણમાં દેશભરમાં અત્યાર સુધીમાં ૩૪ લોકો માર્યા ગયા છે.