નવીદિલ્હી, ૨૬મી જુલાઈથી પેરિસ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ મહાન સ્પોર્ટ્સ ઈવેન્ટ પહેલા જ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સ માટે સારા સમાચાર છે. વર્લ્ડ એથ્લેટિક્સ એસોસિએશન પેરિસમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને ૪૧.૬૦ લાખ રૂપિયા આપવા જઈ રહ્યું છે.પેરિસ ઓલિમ્પિકમાં ૪૧ ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધાઓ યોજાવા જઈ રહી છે અને તે પહેલા વર્લ્ડ એથ્લેટિક્સ એસોસિએશને એક મોટી જાહેરાત કરી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સને ૫૦,૦૦૦ ડોલર એટલે કે ૪૧ લાખ, ૬૦ હજાર રૂપિયા આપવામાં આવશે. રિલે ટીમોને પણ એટલી જ રકમ આપવામાં આવશે, જે ટીમના તમામ ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ એથ્લેટિક્સના આ પગલાથી, ત્રણેય મેડલ વિજેતાઓને ૨૦૨૮માં લોસ એન્જલસમાં યોજાનારી રમતોમાં પુરસ્કારો મળી શકે છે.આ ઐતિહાસિક નિર્ણય સાથે, વર્લ્ડ એથ્લેટિક્સ એસોસિએશન ઓલિમ્પિક ગેમ્સમાં ખેલાડીઓને ઈનામી રકમ આપનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય ફેડરેશન બનશે.
તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ મેડલની આશા હશે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં દેશનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે શૂટર અભિનવ બિન્દ્રા બાદ નીરજ વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર દેશનો બીજો ખેલાડી બન્યો છે. હવે તે પેરિસમાં ગોલ્ડ જીતીને ૪૧ લાખ રૂપિયાની મોટી રકમ જીતવા માંગશે.