પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર દરોડાના કેસમાં ફાઇલ કરાઈ ચાર્જશીટ

અમદાવાદ, ડીડીજીઆઈ અમદાવાદની ટીમે યુપીના કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં ઉદ્યોગપતિના ઘરેથી ૨૦૦ કરોડની રોકડ અને કરોડોની કરચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે આ કેસમાં અમદાવાદ દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જીએસટી ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર જનરલે પીયૂષ જૈનની પત્ની, ભાઈ અને ભાઈની પત્ની સહિત ૧૩ લોકોને આરોપી બનાવ્યા છે. ડીજીજીઆઇના વકીલ અને ભારત સરકારના વિશેષ વકીલ અમરીશ ટંડને કહ્યું છે કે પીયૂષ કુમાર જૈનના ઘરેથી જે ૨૦૦ કરોડ રૂપિયા મળ્યા છે તે તમામ ૧૩ આરોપીઓ અને પીયૂષ જૈનના છે.

આ તમામને સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે.ડીડીજીઆઇ અમદાવાદે સ્પેશિયલ કોર્ટમાં ૧૩ સાક્ષીઓને પૂરક ચાર્ટશીટ દ્વારા સમન્સ કરવા અરજી દાખલ કરી છે. કોર્ટે સુનાવણી માટે આગામી તારીખ ૨૦ ઓક્ટોબર નક્કી કરી છે.ડિસેમ્બર ૨૦૨૧માં કાનપુર અને કન્નૌજમાં પિયુષ જૈનના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી ૨૩ કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ સિવાય કાનપુરના ઘરમાંથી ૧૭૭ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. તે જ સમયે, કન્નૌજમાં ઘરમાંથી ૧૯ કરોડ રૂપિયા મળી આવ્યા હતા.

૨૩ કિલો સોનું મળી આવ્યું હતું જેના પર વિદેશી નિશાન હતું. ડીઆરઆઈએ કોર્ટને કહ્યું હતું કે પૂછપરછ દરમિયાન પીયૂષ જૈને સ્વીકાર્યું હતું કે તેણે કોઈપણ બિલ કે દસ્તાવેજો વગર સોનું ખરીદ્યું હતું. આ સોનાના બિસ્કિટ રોકડ ચૂકવીને અને કોઈપણ ટેક્સ ચૂકવ્યા વિના ખરીદવામાં આવ્યા હતા. ડીઆરઆઈના વકીલ અંબરીશ ટંડને જણાવ્યું હતું કે પીયૂષ જૈને ૧૦-૧૨ વર્ષ પહેલા પોતાના ઘરે બંકર બનાવ્યા હતા જેથી તે પૈસા અને સોનું છુપાવી શકે.