પેન્ટાગોન લીક:રશિયાના હવાઈ હુમલાથી બચવા યુક્રેન પાસે માત્ર ૨૨ દિવસનો સ્ટોક

ન્યૂયોર્ક,ગયા સપ્તાહે ઓનલાઈન લીક થયેલા અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજોએ રશિયાની પોલ ખોલી નાંખી છે. દસ્તાવેજો પ્રમાણે યુક્રેન સાથેના યુદ્ધના કારણે રશિયા પાસે દારૂગોળો, મિસાઈલોનો જથ્થો પૂરો થવાના આરે છે, પરંતુ ચિંતાની વાત એ છે કે યુક્રેન પાસે પણ બચવા માટે માંડ ૨૨ દિવસનો જથ્થો બચ્યો છે.

આ દસ્તાવેજો થકી જાણ થઈ છે કે કેવી રીતે ગયા વર્ષે ફેબ્રુઆરીના અંતમાં રશિયાના હુમલા શરૂ થયા અને આજે યુક્રેનના હાલ બેહાલ છે. રશિયન બોમ્બ વરસાવતા વિમાનો સામે યુક્રેનનું કવચ ગણાતા સોવિયેત યુગના એસ-૩૦૦ અને એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલનો જથ્થો ત્રીજી મે અને મય એપ્રિલ સુધી પૂરો થઈ શકે છે. યુક્રેનની સમગ્ર સુરક્ષા પ્રણાલીમં ૮૯% હિસ્સો તેનો જ છે. એ પણ જાળવા મળ્યું કે રશિયા સામે ટક્કર લેવા યુક્રેનની એર ડિફેન્સ ક્ષમતા ૨૩ મે સુધી પૂરી થશે. જો એવું થશે તો રશિયા તેના ખતરનાક બોમ્બ વરસાવતા વિમાનોથી યુક્રેનના તોપખાનાને નિશાન બનાવશે, જેના કારણે યુદ્ધનું પરિણામ રશિયાની તરફેણમાં આવી શકે છે.

લીક દસ્તાવેજો પ્રમાણે અમેરિકાની જાસૂસી વ્યૂહનીતિએ રશિયાના યુદ્ધને ઘણી અસર કરી છે. અમેરિકન સૈન્ય અધિકારી તેમના યુક્રેનના સમકક્ષોને ચોક્કસ સ્થળે હુમલાની માહિતી આપવા રિયલ ટાઈમ માહિતી આપવા સક્ષમ થઈ ચૂક્યા છે. તેનાથી માલુમ પડે છે કે તેઓ આ સમગ્ર વિસ્તારમાં સરળતાથી ગુપ્ત માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત અમેરિકાએ દ. કોરિયા, ઈઝરાયલ અને બ્રિટન જેવા મિત્ર દેશોની પણ જાસૂસી કરી છે.

અમેરિકાએ કહ્યું છે કે અસલી દસ્તાવેજો સાથે રશિયાએ છેડછાડ કરી છે. તેમાં જણાવાયું છે કે અમેરિકન સૈન્ય જાસૂસોને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને દ. કોરિયાની મિસાઈલ સિસ્ટમની પણ માહિતી છે. યુરોપિયન દેશના વરિષ્ઠ ઈન્ટેલિજન્સ અધિકારીએ કહ્યું છે કે આ દસ્તાવેજો લીક થવાથી મિત્ર દેશોનો અમેરિકા પરનો વિશ્ર્વાસ ઘટ્યો છે. હવે આ દેશો તેને ગુપ્ત માહિતી આપતા ખચકાઈ શકે છે.

આ દસ્તાવેજો પ્રમાણે યુક્રેનમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના ૧૬-૧૭ હજાર સૈનિક શહીદ થયા હોવાનો રશિયાએ દાવો કર્યો છે. તેની સામે યુક્રેનના ૭૧ હજાર સૈનિક શહીદ થયા છે. બીજી તરફ, પેન્ટાગોનનું માનવું છે કે યુદ્ધમાં અત્યાર સુધી બે લાખ રશિયન સૈનિક માર્યા ગયા છે, જ્યારે યુક્રેનમાં આ આંકડો બમણો હોઈ શકે છે.

યુક્રેનની હવાઈ સુરક્ષા મજબૂત કરવા માટે બાઈડેન એડમિનિસ્ટ્રેશને ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે અમે યુક્રેનને રૂ. ૨૧ હજાર કરોડનાં શો મોકલીશું. તે અંતર્ગત વધારાના એર ડિફેન્સ ઈન્ટરસેપ્ટર અને દારૂગોળો સામેલ છે. રશિયા પાસે હજુ પણ ૯૦૦ ફાઈટર જેટ અને ૧૨૦ બોમ્બર વિમાનો છે. રશિયાએ મોરચા પર કુલ ૪૮૫ વિમાન તહેનાત રાખ્યાં છે, જ્યારે યુક્રેન પાસે માંડ ૮૫ વિમાનની ક્ષમતા છે.