અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે પેન્શન સંલગ્ન મામલે અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. જે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ કે અધિકારીઓ સર્વિસ માં ચાલુ હોય તે સમય દરમિયાન જો તેમના પર કોઈ કેસ થયો હોય ત્યારબાદ તેમના નિવૃત્ત થયા પછી જો કોર્ટે કોઈ ગંભીર કેસમાં તેમને સજા કરી હોય તો સરકાર આ પેન્શનરનું પેન્શન શો-કોઝ નોટિસ આપ્યા વગર બંધ કરી શકે છે. અધિકારી કે કર્મચારીને નિવૃત્તિ બાદ કોર્ટે સજા કરી હોય તો તે પ્રકારના કેસમાં પગલાં લેવા માટે સરકારને સમયની કોઈ મર્યાદા નથી.
અત્રે જણાવવાનું કે ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે પેન્શનના નિયમો- ૨૦૦૨ ના નિયમ-૨૩ મુજબ જો પેન્શનરને કોઈ ગંભીર ગેરવર્તુણુંક કે ગંભીર મામલામાં સજા થઈ હોય તો સરકાર તેમનું પેન્શન પાછું ખેંચી શકવાની સત્તા ધરાવે છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ-૧૯૨૩ હેઠળના ફોજદારી ગુનામાં કોર્ટે સજા ટકારેલી છે. આ કેસમાં તેમણે અપીલ કરી છે અને તેમની સજા મોકૂફ કરાયેલી છે તો પણ ડિસિપ્લિનરી ઓથોરિટી અથવા તો સરકારે અપીલના અંતિમ નિર્ણય સુધી રાહ જોવાની જરૂર નથી. આ પ્રકારના નિવૃત્ત કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરવા અંગે નિર્ણય લેતા પહેલા તેમને સુનાવણીની તક આપવાની કે તેને શો-કોઝ નોટિસ આપવાની પણ જરૂર નથી.
નોંધનીય છે કે આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની એવી રજૂઆત હતી કે જો પેન્શનરને કોઈ ગંભીર કેસમાં ટ્રાયલ કોર્ટે સજા ટકારી હોય અને તેમની સામેની અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તો તે સ્થિતિમાં પણ પેન્શનર સામે સરકાર કાર્યવાહી કરી શકે. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો પેન્શનર્સ મામલે અત્યંત મહત્વનો કહી શકાય.