અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં બેકર્સફીલ્ડ શહેરની કાઉન્સિલમાં ગાઝામાં યુદ્ધવિરામના મુદ્દે પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે મેયર અને કાઉન્સિલના મેમ્બરોને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં ૨૮ વર્ષની ભારતીય અમેરિકન યુવતી રિદ્ધિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. રિદ્ધિ પટેલનું ભાષણ સોશ્યલ મીડિયા ઍક્સ અને ટિકટૉક પર વાઇરલ થયું છે.
રિદ્ધિએ ગાઝામાં યુદ્ધવિરામ માટે લાવવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન નહીં કરવાના મુદ્દે નારાજગી દર્શાવી હતી અને તેણે ધમકીભર્યું ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવી છે. રિદ્ધિ પટેલ પર આરોપ છે કે તેણે કાઉન્સિલના મેમ્બરો અને મેયરને ધમકી આપીને લોકોને ડરાવ્યા છે. પોલીસે જ્યારે તેને કોર્ટમાં રજૂ કરી ત્યારે તે રડતી નજરે પડી હતી.
રિદ્ધિ પટેલે તેના ભાષણમાં કહ્યું હતું કે ‘તમે સૌ લોકો એકદમ ખરાબ માણસો છો અને જો ઈસા મસીહ અહીં હોત તો તેમણે જાતે જ તમને લોકોને મારી નાખ્યા હોત. તમારામાંથી કોઈને પણ પરવા નથી કે પૅલેસ્ટાઇનમાં શું થઈ રહ્યું છે અથવા તો એવા દેશોમાં કે જ્યાં લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તમને એ પણ ખબર નથી કે અહીં પણ લોકો પર કેવા જુલમ વિતાવવામાં આવી રહ્યા છે. કાઉન્સિલના લોકો મહાત્મા ગાંધીને નામે પરેડ કરે છે અને ચૈત્રી નવરાત્રિ નામનો એક હિન્દુ તહેવાર પણ આ અઠવાડિયે શરૂ થયો છે. હું તમને યાદ દેવડાવવા માગું છું કે તમે હમણાં જે રજાઓ મનાવી રહ્યા છો એને ગ્લોબલ સાઉથમાં લોકો તેમના પર જુલમ ગુજારનારા લોકો સામે હિંસક ક્રાંતિના નામે જાણે છે. હું આશા કરું છું કે કોઈ આવે અને ગિલોટિન (ગરદન કાપનારી મશીન) લઈને તમને સૌને મોતને ઘાટ ઉતારી દે’.
રિદ્ધિ પટેલે સિટી કાઉન્સિલના મેમ્બરોને માના નામે ગાળો પણ આપી હતી. તેણે કહ્યું કે દરેક પીડિતને તેના અત્યાચારી સામે હિંસક પ્રદર્શનનો અધિકાર છે. રિદ્ધિ પટેલે દાવો કર્યો કે ગયાં થોડાં વર્ષોમાં તેમણે કાઉન્સિલની બેઠકમાં મેટલ ડિટેક્ટર મશીન જોયું નહોતું, આટલો પોલીસ-બંદોબસ્ત પણ જોયો નહોતો, આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી પૅલેસ્ટાઇનના લોકોને અપરાધી સાબિત કરી શકાય.
રિદ્ધિ પટેલના ભાષણ બાદ મેયર કરેન ગોહે કહ્યું હતું કે તું જે બોલી છે એ ધમકી છે અને એથી પોલીસ હવે તને બહાર લઈ જશે અને આ મામલે તારી સામે કાર્યવાહી થશે.
રિદ્ધિ પટેલ સામે ગુંડાગર્દીના ૧૬ કેસ લગાવવામાં આવ્યા છે. તેને એક મિલ્યન ડૉલર (૮૩.૬૧ લાખ રૂપિયા)ના જામીન પર જેલમાં રાખવામાં આવી છે. તેને હવે ૧૬, ૨૪ અને ૨૫ એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બેકર્સફીલ્ડમાં રહેતી રિદ્ધિ પટેલ પૅલેસ્ટાઇનની સમર્થક છે. તેનો જન્મ આ જ શહેરમાં થયો છે અને સ્ટૉકડેલ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેણે ૨૦૧૭માં સેન્ટ લુઈ યુનિવર્સિટીમાંથી ન્યુરોસાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. ૨૦૧૯માં તે ફરી આ શહેરમાં આવી હતી. બેકર્સફીલ્ડમાં ઇઝરાયલ સામેનાં વિરોધ-પ્રદર્શનોમાં તે ભાગ લેતી હોય છે. રિદ્ધિ સેન્ટર ફૉર રેસ, પૉવર્ટી ઍન્ડ ધ એન્વાયર્નમેન્ટ સંસ્થામાં ઇકૉનૉમિક ડેવલપમેન્ટ કો-ઑર્ડિનેટર છે. તે એમાં ૨૦૨૦માં જોડાઈ હતી. આ સંસ્થા ઓછી આવક ધરાવતા લોકોને કાનૂની સહાયતા કરે છે.