યુરોપ, યુરેશિયાના મુસ્લીમ બહુમતીવાળા દેશ તુર્કીના રેસેપ તૈયપ એર્દોગને ઇઝરાયલના ભય અંગે દેશની સંસદમાં જણાવ્યું હતું. ગઇકાલે (બુધવારે) સંસદને કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે ઇઝરાયલની નજર હવે તુર્કી ઉપર છે. જો ઇઝરાયલને રોકવામાં નહીં આવે તો, તેનું હવે પછીનું નિશાન તુર્કી હશે. જો કે હમાસ ઇઝરાયલ સાથે પૂરાં ઝનૂનથી લડી રહ્યું છે. તેથી તુર્કી બચી જઈ શક્યું છે. ૭ ઓક્ટોબરના દિવસે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યા પછી ઇઝરાયલ અત્યારે તો ત્યાં નરસંહાર કરી રહ્યું છે, ગાઝામાં મોત વરસાવી રહ્યું છે. તેમ પણ તેઓએ તુર્કીની સંસદમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે હમાસ ગાઝામાં એનેતોલિયા (તૂર્કી)ની અગ્રીમ પંક્તિની રક્ષા કરી રહ્યું છે.
તે સર્વવિદિત છે કે તુર્કી યુરોપ અને એશિયા તેમ બંને ખંડોમાં પ્રસરેલું છે. તેના એશિયાઈ ભાગને એનેતોલિયા કહેવામાં આવે છે, જ્યારે યુરોપીય પ્રદેશને થ્રેસ કહેવામાં આવે છે. તુર્કી નાટોનું સભ્ય પણ છે. એર્દોગાને કહ્યું કે ગાઝા, પેલેસ્ટાઈન, લેબેનોન, ઈરાન જેવા દેશો સાથે સંઘર્ષ બાદ હવે ઈઝરાયલની નજર અમારા દેશ તૂર્કીયે પર છે. પરંતુ અમે તેની સાથે બાથ ભીડવા તૈયાર છીએ. લોહીયાળ સંઘર્ષ માટે તૈયાર છીએ.
પ્રમુખ એર્દોગને આ વિધાનો તેવા સમયે કર્યાં છે કે જ્યારે બંને દેશોના સંબંધો ઘણા જ બગડી ગયા છે. આ મહીનાના પ્રારંભે જ તૂર્કીએ ઇઝરાયલ સામેના તમામ વ્યાપારી સંબંધો તોડી નાખ્યા છે. તૂર્કી ગાઝા પટ્ટીમાં વણઅટકી માનવીય સહાયમાં આપૂત કરવા માટે અને તે માટે તત્કાળ યુદ્ધ વિરામ કરવા જણાવી રહ્યું છે. તેણે ઇઝરાયલ ઉપર ૩૫૦૦૦ પેલેસ્ટાઇનીઓની હત્યા કરવાના અને ૮૫૦૦૦ને ઘાયલ કરવાના આક્ષેપો કર્યાં છે.