પી.સી.એન્ડપી.એન.ડી.ટી.એક્ટ અતર્ગત જીલ્લાના તબીબોનો વર્કશોપ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયો

મહીસાગર : મહીસાગર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એકટ અંગે જીલ્લાના તબીબોનો વર્કશોપ જીલ્લા કલેકટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને ફોર સીઝન હોટલ, મોટા સોનેલા, લુણાવાડા ખાતે યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગાટય કરી વર્કશોપ શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટરએ સૌએ સાથે રહીને સ્ત્રી ભૃણ હત્યા અટકે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. આ વર્કશોપમાં નાયબ નિયામક મેટરનલ અને ચાઈલ્ડ હેલ્થ ડો. હર્ષદ પટેલ અને કાયદા અધિકારી અરૂણ પ્રતાપસિંહ દ્વારા જીનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જીનેટિક લેબોરેટરી જીનેટિક ક્લિનિક, અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક અને ઇમેજિંગ સેન્ટરે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તે અંગે કાયદાકીય માહિતી આપી હતી અને પી.સી. એન્ડ પીએનડીટી એકટ 1994 વિશે વિસ્તૃત સમજ અને જાણકારી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં તબીબોએ કાયદાકીય મૂંઝવતા પ્રશ્ર્નો વિશે માહિતી મેળવી હતી.

આ પ્રસંગે જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.સી.આર.પટેલ, અધિક આરોગ્ય અધિકારી કે.કે.પરમાર, આરોગ્ય વિભાગના અધિકારી, ડીસ્ટ્રિકટ એડવાઈઝરી કમિટી ફોર પી.સી. એન્ડ પીએનડીટીના ચેરમેન અને સભ્યઓ, જીલ્લાના ખાનગી હોસ્પિટલના તબીબઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.