અંબાજી, એક્તરફ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં બુટલેગરો અને દારૂનું વેચાણ કરતા ઇસમો બેફામ બની કોઈ પણ ખૌફ વિના બેરોકટોક અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. એવા જ દ્રશ્યો મા અંબાના પવિત્ર ધામ અને લોકોની આસ્થાના કેન્દ્ર એવા અંબાજીથી સામે આવ્યા છે. સ્થાનિક પોલીસની ઉદાસીનતા અને રહેમનજરે કેટલાક ઇસમો પવિત્ર ધામ અંબાજીની શોભાને કલંક લગાવતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અંબાજી જતાં વીઆઇપી રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એવો આરોપ છે.
અંબાજી એ લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. દૈનિક ધોરણે અહીં મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. ત્યારે બીજી તરફ આ પવિત્ર ધામમાં જાહેર માર્ગ પર ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અંબાજી જતાં વીઆઇપીરોડ પર દરરોજ દેશી દારૂની મહેફિલો જોવા મળે છે. અહીં, ૪ થી ૫ મહિલાઓ દેશીદારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે. દારૂ પીવા આવતા લોકો વચ્ચે અનેકવાર મારામારીની ઘટનાઓ પણ બનતી હોય છે. પોલીસની રહેમનજરે કેટલાઇ ઇસમો અહીં દેશી દારૂના વેચાણનો ખુલ્લેઆમ વેપલો ચલાવી રહ્યા છે.
માહિતી મુજબ, આ મામલે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આરોપ છે કે સ્થાનિક પોલીસ પણ રૂપિયા લઈને આંખ આડા કાન કરીને બેઠી છે અને બુટલેગરો કોઈ પણ ખૌફ વિના બેરોકટોક ખુલ્લેઆમ દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. અંબાજીના વીઆઇપી રોડ ખાતે છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ, કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની સ્થાનિકો દ્વારા રાવ ઊઠી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દેશી દારૂનાં ખુલ્લેઆમ વેચાણથી અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પણ ભારે પરેશાની વેઠી રહ્યા છે.