અમદાવાદ, હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસનું ખૂબ મહત્વનો હોય છે. શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ભક્તો શિવની ભક્તિ કરવા માટે વિવિધ શિવાલયોમાં ઉમટી પડયા હતાં જેના કારણે આજથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. અમદાવાદ શહેરના વિવિધ શિવ મંદિર વહેલી સવારથી જ ‘ઓમ નમ: શિવાય’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતાં.
અમદાવાદના પૂર્વ અને પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા મોટા શિવ મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. પૂર્વમાં રખિયાલમાં આવેલાં ચકુડિયા મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. ચકુડિયા મહાદેવ મંદિરમાં ૨૦ ફૂટ કરતા ઊંચું શિવલિંગ આવેલું છે, તેમજ ૧૨ જ્યોતિર્લિંગ પણ આવેલા છે. જેથી ૧૨ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તો મંદિર સંચાલકો દ્વારા ભક્તોને હાલાકી ન પડે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ દિવસે વિશેષ પૂજા પણ રાખવામાં આવી છે.
આ ઉપરાંત નિર્ણયનગર ખાતે આવેલ રામેશ્ર્વર મહાદેવમાં પણ સવારથી જ શિવભકતોની ભારે ભીડ જોવા મળી હતી.શિવ ભકતો પાણી,દુધનો અભિષેક કરતા જોવા મળ્યા હતાં રામેશ્ર્વર મહાદેવના શિવલિંગને ફુલોથી સજાવવામાં આવ્યું હતું.
કહેવાય છે કે શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો આખા વર્ષનું ફળ ભક્તને મળે છે. સાથે જ શ્રાવણ માસમાં દાનનું પણ મહત્વ રહેલુ છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. આજે વહેલી સવારથી જ ચકુડિયા મહાદેવ મંદિર પહોંચીને ભક્તોએ ભગવાન શિવની પૂજા કરી. વહેલી સવારથી જ મંદિરમાં ભગવાનના શિવના દર્શન કરવા માટે ભક્તોની ક્તારો જોવા મળી હતી. સાથે જ ભક્તો દ્વારા મંદિરમાં શિવલિંગને દુગ્ધાભિષેક અને જળાભિષેક કરવામાં આવ્યો. સાથે જ બિલ્વ પત્ર પણ ચઢાવીને પૂજા કરવામાં આવી હતી.