યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના પાંચમા દિવસે માઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું.

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના પાંચમા દિવસે માઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. વહેલી સવારે મંદિર ખુલતા લાખો માઇભક્તો મંદિરે પહોંચ્યા હતા. મંદિરે પહોંચ્યા બાદ કલાકો સુધી કતારમાં ઉભા રહીને ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. નવરાત્રીના ચાર દિવસ પછી આજે રવિવારની રજા અને માતાજીના દર્શનનો ખાસ મહિમા હોવાથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.

ચૈત્રી નવરાત્રી પર્વને લઇ 52 શક્તિપીઠ પૈકીના એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની મહાકાળીનાં દર્શનાર્થે લાખોની સંખ્યામાં માઇ ભક્તો આવ્યા છે. જેને લઈ વહીવટી તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ, એસટી વિભાગ પણ સજ્જ બની ગયું છે. ચૈત્રી નવરાત્રી પર્વ આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ પોલીસ તંત્ર દ્વારા 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 30 પીએસઆઈ, 250 પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી, હોમગાર્ડ, મહિલા પોલીસ સહિત અંદાજિત 700 જેટલા પોલીસ કર્મીઓ યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા જુદા જુદા પોઇન્ટો ઉભા કરી વીડિયો ગ્રાફી, સીસીટીવી કેમેરા વગેરેથી યાત્રિકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત સ્ટેન્ડ બાય ફાયર તેમજ એમ્બ્યુલન્સ સજ્જ રાખવામાં આવી છે. જ્યારે એસટી નિગમ દ્વારા યાત્રિકોની અવર જવર કરવા માટે પાવાગઢ તળેટી બસ સ્ટેન્ડથી માંચી ડુંગર સુધી અપડાઉન કરવા 60 જેટલી બસો અવિરત દોડાવવાની વ્યવસ્થા કરાઈ છે.

હાલોલ ડોક્ટર એસોશીએશન દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રિકો માટે ડોક્ટરની ટીમ પણ ઉપસ્થિત રાખવામાં આવી છે. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિ પૂર્ણ માહોલમાં દર્શન થાય તેવી વ્યવસ્થા વચ્ચે આજે માતાજીના દર્શને લાખોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારે યાત્રાળુઓ માતાજીના જયઘોષ કરી માંચીથી ડુંગર ઉપર ચડતા જોવા મળ્યા હતા. માંચીથી રોપવે દ્વારા મંદિરે પહોંચવા માટે પણ ભારે ભીડ જોવા મળતા ટિકિટ લીધા પછી અઢીથી ત્રણ કલાકે રોપવેમાં નંબર આવતા યાત્રાળુઓ ગરમીમાં ભારે પરેશાન થયા હતા.