ગોવાહાટી,
કોંગ્રેસના નેતા પવન ખેડાને લઈને મામલો ગુરુવારે ખૂબ જ ગરમાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણીને કારણે ગઈ કાલે ગુરુવારે ખેરાને પ્રથમ ફ્લાઈટમાંથી ઑફલોડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આસામ પોલીસે તેની ધરપકડ કરી હતી, જો કે થોડા કલાકો પછી તેને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા. આ મુદ્દે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે ખેડાનું નામ લીધા વિના કહ્યું કે આરોપીએ બિનશરતી માફી માંગી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કોઈ નહીં કરે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું, “કાયદાનો મહિમા હંમેશા રહેશે. આરોપીએ બિનશરતી માફી માંગી છે. અમે આશા રાખીએ છીએ કે સાર્વજનિક સ્થળોની પવિત્રતા જાળવી રાખતા હવેથી કોઈ પણ રાજકીય ચર્ચામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે નહીં. આસામ પોલીસ પણ આ કેસને તાકક રીતે ખતમ કરશે.
કોંગ્રેસના અધિવેશન માટે પાર્ટીના અનેક નેતાઓ સાથે રાયપુર જઈ રહેલા પવન ખેડાને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ પર ઉભેલા ઈન્ડિગો પ્લેનમાંથી ખૂબ જ નાટકીય રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને પછી ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે પવન ખેડા શુક્રવારે રાયપુર પહોંચશે. તેમના કહેવા પ્રમાણે, તેઓ ગુરુવારે સાંજે પહોંચવાના હતા, પરંતુ કેટલીક કોર્ટ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં વિલંબ થયો હતો.કોંગ્રેસે ખેડા સામેની કાર્યવાહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની “વેર, ઉત્પીડન અને ધાકધમકી” અને સરમુખત્યારશાહીની રાજનીતિનું નવું ઉદાહરણ ગણાવ્યું હતું. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે સુપ્રીમ કોર્ટ તરફથી ખેડાને મળેલી રાહત પર કહ્યું, “વાઘ જીવતો છે, સુપ્રીમ કોર્ટ જીવે છે.”
તેની ધરપકડના કલાકો બાદ ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટે તેને ૨૮ ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે ખેડાને દિલ્હીમાં સક્ષમ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા પછી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે.
જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે જણાવ્યું હતું કે, “ઉપરનો આદેશ મંગળવાર (૨૮ ફેબ્રુઆરી) સુધી લાગુ રહેશે.” કોર્ટે કેસની આગામી સુનાવણી માટે ૨૭ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.