હાલોલ,
કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળતા મઘ્ય ગુજરાતના પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે.જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાતે પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઈંડાનુ સેવન કરી કેટલાકં બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયના ગીધ વસી રહ્યા છે. અને આ ઈન્ડિયન વલ્ચર પર મહાકાળી માતાના મંદિરની પાછળની તરફ કોતરોમાં ગીધોના 2 થી 3 માળા અને નવલખા માળા હોવાનો અંદાજ છે. ગીધની સફેદ હગાર ઉપરથી માળા હોવાનો અંદાજ લગાવી શકાય છે. જેમાંથી માતાજીના મંદિરવાળી કોતરોમાં આવેલા એક માળામાં ગીધનુ બચ્ચુ જોવા મળે છે. બહુધા રામસેવક જટાયુ જેવા આ ગીધો માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે. પુખ્ય વયનુ ગીધ 70 થી 85 સે.મી.ઉંચુ અને 5 થી 6 કિ.ગ્રા.વજન ધરાવતુ હોય છે. માદા કરતા નર ગીધની લંબાઈ વધુ હોય છે. તેઓ 10 થી 12ના સમુહમાં વસવાટ કરે છે. વર્ષમાં એક વખત ઈંડુ મુકે છે અને તેમના બચ્ચા ઉછેરનો સમયગાળો નવેમ્બરથી માર્ચ સુધીનો હોય છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ગીધની આ પ્રજાપતિ અતિ જોખમમાં આવી ગયેલી પક્ષીઓની યાદીમાં મુકવામાં આવી છે. આ ગીધો સવારના 1 વાગ્યાથી મોડીરાત સુધી ખોરાકની શોધમાં આકાશમાં ચકકર લગાવતા રહે છે. તેઓ હજાર ફુટની ઉંચાઈએ ઉડે છે ત્યાંથી તેમની તિક્ષ્ણ નજર મૃત પશુને જોઈને ઝપટ લગાવે છે. વનવિભાગ દ્વારા કરવામાં આવેલી ગણતરી દરમિયાન પણ અહિં ગીધોની વસાહત નોંધાઈ છે. પરીક્ષેત્ર વન અધિકારી આર.આર.બારીયા અને વન સહાયક પંકજ ચોૈધરી આ વસાહત ઉપર સતત નજર રાખી રહ્યા છે.