
પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાંચમી આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં કુલ 264 સ્પર્ધકે ભાગ લીધો હતો. વડોદરાના લલિત નિસાદે માત્ર 25 મિનિટ અને 11 સેકન્ડમાં 2005 પગથિયાં ચડી-ઉતરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ તેમનો સતત બીજો વિજય છે, ગત વર્ષે પણ તેમણે 25 મિનિટ 43 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમસ્થાન મેળવ્યું હતું.
ડેડીયાપાડાના ઈનેસ વસાવાએ 26:19 મિનિટ સાથે બીજો અને ડાંગના આહવાના માઈકલ ડામોરે 26:51 મિનિટ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. મહિલા વર્ગમાં સાબરકાંઠાના વિજયનગરની ખુશ્બુબેન બોદરે 34:16 મિનિટમાં પ્રથમ, હિંમતનગરની ચંદ્રિકાબેન સોલંકીએ 36:13 મિનિટમાં બીજો અને દાહોદના ધાનપુરની લક્ષ્મીબેન ડાંગીએ 37:45 મિનિટમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં માંચીથી દૂધિયા તળાવ સુધીનો રૂટ રાખવામાં આવ્યો હતો. ચૂંટણી આચારસંહિતાને કારણે રાજકીય આગેવાનો કાર્યક્રમથી દૂર રહ્યા હતા. પ્રથમ દસ ક્રમાંક મેળવનાર વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને તેઓ હવે ગિરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.