સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ચોમાસાના પહેલા વિકેન્ડમાં યાત્રાળુઓ અને પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું.

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે વહેલી સવારથી જ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થી માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. પાવાગઢએ આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે, પ્રવાસન ધામ તરીકે વિકસેલા અને વન-ડે પિકનિક પોઇન્ટ તરીકે નજીકના શહેરીજનોનું મનપસંદનું સ્થળ બની ગયું હોવાથી રજાઓ અને વિકેન્ડના સમયે અહીં લાખો દર્શનાર્થીઓ અને યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે બપોરે બાર વાગ્યા સુધી આ પચાસ હજારથી વધુ યાત્રાળુઓ પાવાગઢ પહોંચતા વાહનોની ભારે ભીડ જામી હતી.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત પછી આજે પહેલા વિકેન્ડમાં અહીં લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ પાવાગઢની મુલાકાતે આવ્યા છે. ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે પાવાગઢ ડુંગર ઉપર સર્જાયેલા આહલાદક વાતાવરણને માણવા લોકોની ભારે ભીડ જોવા મળી છે. વહેલી સવારથી આજે પાવાગઢ તળેટીમાંથી માચી તરફ ગયેલા વાહનો માચી ખાતેનું પાર્કિંગ ફૂલ થઈ જતા માચી સુધી પહોંચ્યા ન હતા.

વરસાદી માહોલ અને રવિવારની રજાના દિવસે આજે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવેલા દર્શનાર્થી ભક્તો અને ડુંગર ઉપર સર્જાયેલા આહલાદક વાતાવરણના કુદરતી નજારાને માણવા આવેલા યુવાઓની ભીડ એકત્ર થતાં પાવાગઢ પોલીસે બપોર પહેલા તળેટીમાં વાહનો અટકાવ્યા હતા. માચીથી બે કિમોમીટર પહેલા સુધી વાહનોની ભીડ જામી જતા એક તબક્કે યાત્રાળુઓ અને પ્રવાસીઓએ પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરીને માચી સુધી ચાલતા પહોંચવું પડ્યું હતું.