
પંચમહાલના પાવાગઢ નજીક આવેલ એક આતર્યાળ ગામમાં કૌટુંબિક ફુવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આવાવરુ જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાએ પાવાગઢ પોલિસ મથકે પોક્સો અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમ ફૂવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પાવાગઢ પોલીસ મથક હદ વિસ્તારના એક ગામમાં કૌટુંબિક ફુઆએ સગીરા સાથે દુષ્કર્મ આચારતા ચકચાર મચી ગઈ હતી.
ભોગ બનનાર સગીરાના બિમાર ભાઈની વિધિની સામગ્રી સ્મશાનમાં મૂકવાના બહાને સગીરાને ફોસલાવી જંગલ વિસ્તારમાં લઈ જઈ નરાધમે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાને બાઇક ઉપર બેસાડી જંગલ વિસ્તારમા લઇ જઇ ત્યાર બાદ ભોગ બનનાર સગીરાના શરીર પરના તમામ વસ્ત્રો ઉતારી વિધિના બહાને દુષ્કર્મ આચર્યુ હતું. કોઈને પણ આ બાબતે જણાવ્યું તો જાનથી મારી નાખવાની ધમકી સગીરાને આપી હતી. ત્યાર બાદ આરોપી સગીરને તેના ગામને પાદરે મૂકી ચાલ્યો ગયો હતો. જોકે હિંમત દાખવીને સગીરાએ તેની માતાને સમગ્ર હકીકત જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા સગીરાને લઈ પાવાગઢ પોલીસ મથકે આવી નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ તરફ પોલીસે સગીરાની ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનારા આરોપી કલાકોમાં ઝડપી પાડી તેની કાર્યવાહી હાથ ધરી હતી.
ભૂવાને ઘરે બોલાવી બીમાર ભાઇની વિધિ કરાવ્યા બાદ કુકર્મ કર્યું મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરાના ભાઈ અસ્થિર મગજના હોવાને કારણે લાંબા સમયથી બીમાર છે. કૌટુંબિક ફુવા એ ભુવાને પોતાને ઘરે બોલાવી વિધી કરાવી હતી. ત્યાર બાદ સગીરાને બાઇક ઉપર બેસાડી સ્મશાન લઈ જઈ વિધિ કરાવી અને પછી જંગલ વિસ્તાર લઈ ગયો હતો અને આ પણ વિધિ પૂરી કરવી પડશે તેમ જણાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.