ગુજરાતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ એવા પાવાગઢમાં નવરાત્રિ સુધીમાં નવી સુવિધા ઊભી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ પાવાગઢમાં ડુંગર ઉપર જ રહેવાની સગવડ, મોટું અન્નક્ષેત્ર, યજ્ઞકુંડ અને નવા પાર્કિંગની સુવિધા મળશે. અત્યારસુધી યાત્રાળુઓ પાવાગઢ દર્શને આવે તો ત્યાં રહેવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે તમે પાવાગઢ દર્શને જશો તો એક અલગ જ અનુભવ થશે.
પાવાગઢમાં છેલ્લા ઘણા સમયથી ડેવલપમેન્ટને લગતા વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ વિશે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પંડ્યાએ કહ્યું, પ્રથમ તબક્કામાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, કારણ કે મંદિરના શિખર સહિત ઘણો ભાગ વર્ષોથી ખંડિત હતો, એમાં નવા બાંધકામની તાતી જરૂર હતી, એટલે આ કામ પૂરું થયા પછી ઐતિહાસિક રીતે 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પહેલી ધજા ચડાવી હતી. આ કાર્ય થતાં જ અમારા ઉત્સાહમાં વધારો થયો અને ભક્તોની માગણી પણ વધી છે.
પાવાગઢમાં હવે રોકાવવાની ચિંતા નહીં કરવી પડે
પાવાગઢ મંદિરમાં દેશભરમાંથી ભક્તો દર્શને આવે છે. એમાં પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લા ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશથી આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે. તમે પણ અનુભવ્યું હશે કે ધાર્મિક સ્થળોએ લોકોના ધસારાની સાપેક્ષમાં રહેવાની સુવ્યવસ્થિત જગ્યાનો અભાવ મોટે ભાગે હોય છે. પાવાગઢમાં પહાડ પર આવી વ્યવસ્થા અત્યારસુધી નહોતી, પરંતુ પાવાગઢમાં ટૂંક સમય બાદ ભક્તોને આવી મુશ્કેલી નહીં પડે. અહીં એક મોટી ડોરમેટરીની પણ સુવિધા ઉપલબ્ધ થશે, જેથી લોકો રાત્રિ દરમિયાન આવી ગયા હોય અથવા તેમને દિવસે પણ બે-ત્રણ કલાક આરામ કરવો હોય તો થઈ શકે.
પાવાગઢ આવતા ભાવિકોને જમવાની કોઈ મુશ્કેલી ન પડે એ માટે પણ આયોજન થઈ ચૂક્યું છે. પાવાગઢમાં વિશાળ અન્નક્ષેત્રનું કામ પણ પૂરું થવાની તૈયારીમાં છે. આ અન્નક્ષેત્રમાં 600થી વધુ લોકો એકસાથે બેસીને ભોજન લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પાવાગઢમાં અન્નક્ષેત્ર અને ડોરમેટ્રી બનાવવાનું કામ વડોદરાની પટેલ કિસ્મતરાય ચુનીલાલ કંપની કરી રહી છે. આ કંપનીના મેનેજર હરેશભાઈ પટેલે કહ્યું, લગભગ 12થી 14 કરોડ રૂપિયાના ખર્ચે ડોરમેટરી અને અન્નક્ષેત્ર દૂધિયા તળાવ પાસે તૈયાર થઈ રહ્યું છે. આ કામગીરી શરૂ થયાને લગભગ એકથી દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ કામગીરી અત્યારસુધીમાં પૂરી થઈ ગઈ હોત, પરંતુ અહીંનું વાતાવરણ સારું ન હોવાના કારણે લગભગ 80 ટકા જેટલી કામગીરી થઈ છે. જોકે આ સુવિધાઓ નવરાત્રિ સુધીમાં શરૂ થઈ જશે, જેનો લાભ અહીં આવનારા લોકોને આગામી દિવસોમાં મળશે.
એકસાથે 600 લોકો લઈ શકશે ભોજન
હરેશભાઈએ આગળ કહ્યું, પાવાગઢમાં નિર્માણ પામી રહેલું અન્નક્ષેત્ર 150 ફૂટ લાંબું અને 75 ફૂટ પહોળું છે. અન્નક્ષેત્રમાં એકસાથે અહીં 600થી વધુ માણસો ભોજન લઈ શકશે. દિવસ દરમિયાન 2થી 4 હજાર માણસો જમી શકે એવો અંદાજ છે. બે માળની ઈમારતમાં નીચેના ભાગે ડોરમેટરી હશે, જેમાં એકસાથે 1 હજાર ભક્તો રોકાઈ શકે એટલી જગ્યા હશે.
અન્નક્ષેત્ર અને ડોરમેટરીના બિલ્ડિંગની ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન અંગે વાત કરતાં હરેશ પટેલે કહ્યું, અમારા સ્ટ્રક્ચરરે આ જગ્યાને ભૂકંપની દૃષ્ટિએ ઝોન 5માં ગણી છે, એટલે ખૂબ ઓછું જોખમી ગણાય. તેમ છતાં અમે ખૂબ જ હેવી સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. આ બિલ્ડિંગના બાંધકામ માટે જમીનમાં 3-3 મીટરના 60 જેટલા ફૂટિંગ કરવામાં આવ્યા છે, જેમાં 2 ખૂબ મોટા રાફ્ટ (પિલર) છે, જેથી ભૂકંપ જેવી કુદરતી આફત સમયે પણ બિલ્ડિંગ અડીખમ રહેશે.પાવાગઢમાં બની રહેલી ડોરમેટરી તેમજ અન્નક્ષેત્રની ઇમારતનો દેખાવ પણ મંદિરના સ્ટ્રક્ચર તેમજ હેરિટેજ થીમ પર રાખવામાં આવ્યો છે. આ માટેના ખાસ પ્રકારના પથ્થર રાજસ્થાનના ધોલપુરથી મગાવવામાં આવ્યા છે, જેને ફિનિશિંગ આપીને લગાવવામાં આવી રહ્યા છે.
હરેશ પટેલે કહ્યું, આ પ્રોજેક્ટમાં અમારા 4થી 5 એન્જિનિયર સહિત અલગ-અલગ ટીમના કુલ મળીને 100થી 150 જેટલા લોકો કામ કરી રહ્યા છે. આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયા પછી હાલમાં એવું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે કે આવનારા સમયમાં એના ઉપર સોલરપેનલ લગાવાશે, જેથી સૌરઊર્જામાંથી પેદા કરીને એનો ઉપયોગ કરી શકાય.
પાવાગઢ મંદિરે હવે ભક્તો માટે યજ્ઞની પણ વ્યવસ્થા
પાવાગઢ મંદિરે ધજા ચડાવવાની સુવિધા બાદ હવે ભક્તો યજ્ઞ પણ કરી શકશે. આ બાબતે ટ્રસ્ટી અશોક પંડ્યાએ કહ્યું, અહીં આવતા ભક્તોની એવી પણ ઈચ્છા હતી કે મંદિરે યજ્ઞ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. શ્રદ્ધાળુઓએ નવચંડી, લક્ષચંડી, સતચંડી યજ્ઞ કરાવવા હોય છે, એટલે આ માગણીને ધ્યાનમાં રાખીને એક યજ્ઞ શાળા બનાવી છે. ટૂંક સમયમાં જ એનું કાર્ય પૂર્ણ થઈ જશે.
દૂધિયા તળાવ પાસે 51 શક્તિપીઠના થઈ જશે દર્શન
જો તમે વર્ષ પૂર્વે પાવાગઢ ગયા હોવ તો જોયું હશે કે પહાડ પર દૂધિયા તળાવની ફરતે જાણે કે ધૂળ ઊડતી હતી, પરંતુ હવે આ જગ્યાએ પણ નવી રોનક અને ધાર્મિક અનુભૂતિ થશે. નવા પ્રોજેક્ટ પ્રમાણે દૂધિયા તળાવની આસપાસ 51 શક્તિપીઠની રેપ્લીકા દેરી સ્વરૂપે મુકાશે, એટલે એક જ સ્થળે તમામ શક્તિપીઠની પૂજા-અર્ચના પણ થઈ શકશે. એટલું જ નહીં, આ તમામ નાનાં મંદિરની આસપાસ એક પરિક્રમા પથ બની રહ્યો છે, જેથી ભક્તો પ્રદક્ષિણા પણ કરી શકશે.