પાવાગઢ મંદિરમાં થયેલ ચોરીનું પગેરૂ મેળવવા પોલીસની 6 ટીમ, 120 જવાનો, 150 સીસીટીવીના ચેકિંગથી ભેદ ખૂલ્યો

પાવાગઢ મંદિરમાં થયેલ ચોરીનું પગેરૂ મેળવવા પંચમહાલ પોલીસની 6 ટીમના 120થી વધુ લોકોએ 150 સીસીટીવી કેમેરાઓની ઝીણવટભરી તપાસ સાથે ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સનો મહત્તમ ઉપયોગ કરી 9 દિવસમાં સુરતના નસારપુરના વિદુરભાઈ ચંદ્રસિંગભાઈ વસાવા પાસે સુરત જિલ્લાના ઝંખવાવ સુધી લઇ ગયો હતો.

હાલોલ પાવાગઢ મંદિરમાં માતાજીને પહેરાવેલ સોનાના 6 હાર અને સોનાનો ઢોળ ચઢાવેલ 2 મુગટની ચોરીની 28 ઓકટોબરે ઘટના બની હતી. મંદિરની અભેદ સુરક્ષા અને સલામતી વચ્ચે ચોરીનો અંજામ આપતા ચોરીની ઘટનામાં માત્ર એકજ વ્યક્તિની સંડોવણીને લઈ અનેક સવાલોએ સ્થાન લીધું છે. ચોરીમાં અન્યની સંડોવણી અંગે પોલીસ રિમાન્ડમાં ખુલાસાની શક્યતા સેવાઇ રહી છે. પાવાગઢ માતાજી મંદિર સાથે કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પ્રસાશન અને મંદિર ટ્રસ્ટ દ્વારા સજ્જડ આયોજન કરાય છે.

તેમ છતાં તા. 28 ઓક્ટોબરની રાત્રીએ મંદિરની અભેદ સુરક્ષા સલામતી વચ્ચે સુરત જિલ્લાના નસારપુર ગામના વિદુર વસાવાએ પ્રિપ્લાન કરી સિફતપૂર્વક બંધ મંદિરમાં પ્રવેશ કરી માતાજીને પહેરાવેલા સોનાના 6 હાર સોનાનો ઢોળ ચઢાવેલ 2 મુગટ સહિત રૂા.78 લાખની ચોરીને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હતો. ચોરીનું પગેરું શોધવા જિલ્લા પોલીસ દ્વારા બનેલી જુદી જુદી તપાસ ટિમો દ્વારા 150થી વધારે સીસીટીવી કેમેરાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી ચોરને ઝડપી પાડ્યો હતો.

માતાજી મંદિર રાત્રે 8 કલાકે બંધ થઈ ગયા બાદ બીજા દિવસે સવારે 4 કલાકે અભેદ સુરક્ષા વચ્ચે ખુલે છે. રાત્રે પોલીસ એસઆરપી સહિત ખાનગી સિક્યુરિટીના જવાનો તૈનાત હોય છે. તે દરમિયાન જ વિદુર વસાવાએ ચોરીને સિફતપૂર્વક અંજામ આપ્યો હતો. માતાજીના ગર્ભગૃહમાં પ્રવેશવા 10 થી 12 ફૂટની ઉંચાઈએ આવેલ હવા ઉજાસ માટે ખાસ બનાવેલ 2 બાય 1 ના ગોખલામાંથી પ્રવેશ કરી દાગીનાની ચોરી પોતે એકલા હાથે કરી હોવાની કબૂલાત વચ્ચે મંદિરની ભૌગોલિક રચનાથી તસ્કર પૂરો વાકેફ હશેનું નકારી શકાય એમ નથી.

આટલી મોટી ચોરીની ઘટનામાં માત્ર એકજ વ્યક્તિની સંડોવણીને લઈ અનેક સવાલોએ સ્થાન લીધું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તેના રિમાન્ડ અને પોલીસ પૂછપરછમાં ખુલાસો થશે.