યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 2024ની મોડીરાત્રે ઘરફોડિયા તસ્કરે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. લાભપાંચમના દિવસે મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખની રકમના સોનાના 6 હાર અને સોનાના ઢોળ ચડાવેલા બે મુગટ સાથે એક તસ્કરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે હવે મંદિરમાં ચોર ઘૂસી જવાને કારણે ગર્ભગૃહનું શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધીકરણ કરાશે. એ માટે આવતીકાલે (8 નવેમ્બર) પાવાગઢ મંદિર સાંજે 4 વાગ્યાથી બંધ કરાશે. શનિવારે સવારે 6 વાગ્યાથી મંદિરમાં દર્શન કરી શકાશે.
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી થતાં માતાજીની પાદુકા, ત્રિશૂળ સહિત પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ શુદ્ધીકરણ કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ માટે શુક્રવાર 8 નવેમ્બરના દિવસે નિજ મંદિરનાં દ્વાર સાંજે 4 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે, જે પુનઃ બીજા દિવસે એટલે કે શનિવાર 9 નવેમ્બરના સવારે 6 વાગ્યા પછી ખોલવામાં આવશે. આ જાહેરાત શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.