- યાત્રાધામ પાવાગઢ જનારા ભક્તો માટે સારા સમાચાર
- નિજ મંદિર સુધી 40 સેકન્ડમાં પહોંચાય તેવી લિફ્ટ બનશે
- ડુંગર ખોદીને 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવાશે
શક્તિપીઠ પાવાગઢ જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને હવે ભક્તો માત્ર 40 સેકન્ડમાં જ મહાકાળી માના દર્શન કરી શકશે. સરકારની મંજૂરી બાદ ‘યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા આ લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. જેની માટે ડુંગર પણ ખોદવામાં આવશે.
લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે
જણાવી દઇએ કે, લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે. એ માટે 130 કરોડનો પ્રોજેક્ટ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. લિફ્ટ બનાવવાની અને હેલિપેડ, વૉક-વે બનાવવાની કામગીરીના 2 ફેઝ પૂર્ણ થઇ ચૂક્યાં છે અને અત્યારે ફેઝ 3ની કામગીરી ચાલી રહી છે. પાવાગઢ ડેવલોપમેન્ટ ફેઝ ૩ અંતર્ગત 130 કરોડ રકમની ફાળવણી પણ કરાઈ છે. પાવાગઢ ગબ્બરની બાજુના પર્વતને 210 ફૂટ સુધી ખોદીને લિફ્ટ બનાવાશે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જ્યાર બાદ લિફ્ટ બનાવવા માટે પર્વતની અંદર ખોદકામ કરવાની કામગીરી શરૂ કરાશે.
40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે
વધુમાં જણાવી દઇએ કે, પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપરા ચઢાણના લીધે અનેક ભક્તોને માતાજીનાં દર્શન કરવામાં થોડી મુશ્કેલી આવતી હોય છે. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ ગબ્બર પર લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ગબ્બરની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે. જો કે તમને જણાવી દઇએ કે, લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે.
ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે જણાવ્યું કે, ‘પાવાગઢ મહાકાળી મંદિરની સમગ્ર કાયાપલટ કરી નવો નજારો તૈયાર કરવામાં આવશે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે. જ્યાં મંદિર છે ત્યાં એની બાજુમાં 210 ફૂટનો ડુંગર છે. એ ડુંગરને કાપીને તેમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન છે. લિફટમાંથી ભક્તો સીધા જ મંદિરે પહોંચે એવી વ્યવસ્થા પણ કરાઇ છે. હાલ પાવાગઢ મંદિર ખાતે 350 પગથિયાં સુધી જ રોપ વે કાર્યરત છે. ત્યારે ફેઝ-૩નું કાર્ય કરીને મંદિર સુધી રોપ વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.’