પાવાગઢ ડુંગર પર રેનબસેરાનો બીજો હિસ્સો પડ્યો : ચાર મજૂર કાટમાળ નીચે દબાયા.

પાવાગઢ માચી ખાતે આજે ફરી એકવાર રેનબસેરાનો ભાગ તૂટી પડતા ચાર મજૂર કાટમાળ નીચે દબાયા હતા. જેમને રેસ્ક્યુ કરી પ્રથમ હાલોલ રેફરલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એકને હાલોલ ખાતે સારવાર આપવામાં આવી છે. તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને વડોદરાની NAIK હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે ગત 4 મેના રોજ વરસતા વરસાદમાં વીજળીના કડાકા થયા હતા. આ દરમિયાન વરસાદથી બચવા માટે યાત્રાળુઓએ નવા બની રહેલ રેનબેસેરાનો સહારો લીધો હતો. પરંતુ આ રેનબસેરા ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે સાતથી વધુ લોકોને ઇજાઓ થતાં સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પાવાગઢ માચી ખાતે બનાવવામાં આવેલા રેનબસેરા તૂટી જતાં તેનો કાટમાળ હટાવવાની કામગીરી આજે કરવામાં આવી રહી હતી. તે દરમિયાન રેનબસેરાનો અન્ય હિસ્સો પણ ધરાશાયી થઇ ગયો હતો. જેના નીચે ચાર મજૂર દટાયા હતા. જેઓને રેસ્ક્યુ કરી પ્રથમ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવી જાણ થતાં SDM પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ડોક્ટર્સ સાથે વાત કરી ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અઠવાડિયાની અંદર જ બીજી વખત રેનબસેરાનો અન્ય એક ભાગ ટૂટી પડવાની ઘટના બની છે.​​​​ પાવાગઢમાં ગત ગુરુવારે સર્જાયેલી રેનબસેરાનું બાંધકામ તૂટી પડવાની દુર્ઘટના પછી અત્રે બધું હિસ્સો તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી અહીં મંદિરનું અને આ રેનબસેરાનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને ટ્રસ્ટીઓએ રેન બસેરાને કોર્ડન કરી ત્યાં પ્રવેશ બંધી કરી દેવાની ફરજ પડી હતી. દરમિયાન આજે સાતમાં દિવસે આ રેન બસેરાના બાંધકામનો ઉભેલો બીજો હિસ્સો આજે તૂટી પડ્યો હતો. બનાવને પગલે ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

રેનબસેરાના કાટમાળમાં દટાતા ઇજાગ્રસ્ત મજૂરના નામ
1.કાન્હા સૂર્યપાલ જાટ
2.વિવેકભાઈ પંડિત
3.રામાબિર ચોબસિંગ બનજારા…
4.રવિકુમાર કાલિચન્દ રાજપૂત