
હાલોલ પાવાગઢ રોડ પર કોર્ટ પાસે એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. ભુતરડી ગામે રહેતા 25 વર્ષિય ટીંકલભાઈ ધુળાભાઈ બારીયા અને 19 વર્ષીય પત્ની કિંજલબેન બુધવારની સવારે એક્ટિવા પર પાવાગઢ માતાજીની બાધા પૂરી કરવા માટે આવી રહ્યા હતા. દરમિયાન બપોરે હાલોલ પાવાગઢ રોડ પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ટ્રક ચાલકે એકટીવાને ટક્કર મારતા પતિ પત્ની રોડ પર પછડાયા હતા. બંને ઇજાગ્રસ્તોને 108માં હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં કિંજલબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ટીંકલભાઈને હાથ અને પગમાં ઈજા પહોંચતા સારવાર કરી હતી.
પ્રેમીજોડાના બે માસ અગાઉ લગ્ન થયા હતા કિંજલબેન અને ટીંકલભાઈ બંને ગરબાડા તાલુકાના ભુતરડી ગામે રહેતા હતા. જેમાં બંને એક જ ગામમાં રહેતા હોઈ બંને યુવાન હૈયાઓ એકબીજાને અવારનવાર જોતા બંને વચ્ચે આંખો મળી જતા પ્રેમ પાંગર્યો હતો અને આજથી 2 મહિના અગાઉ તેઓએ પ્રેમ લગ્ન કર્યા હોવાની માહિતી મળવા પામેલ છે. પોતાની આંખો સમક્ષ પોતાની પત્નીનુ કરુણ મોત થતા ટ્વિંકલભાઈ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.