
પાવાગઢ,
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી રહી છે. ધાર્મિક સ્થળોની આ ડોક્યુમેન્ટ્રી શૂટ કરવા પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કિંજલ દવે પણ ત્યાં આવી હતી. તેણીએ પાવાગઢ મહાકાળી મંદિરમાં માતાજીની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા અને વિધિ મુજબ મંદિરના શિખર ઉપર ધજા ચડાવી હતી. ડોક્યુમેન્ટ્રી શૂટ કરીને તેઓ ટીમ સાથે પાવાગઢ મહાકાળી મંદિરે પહોંચ્યા હતા. માતાજીના દર્શન કરી પાદુકા પૂજનનો લાભ લીધો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની ધજા માથે લઈ વાજતે ગાજતે મંદિરની પ્રદક્ષિણા કરી હતી. કિંજલ દવેએ પાવાગઢને પોતીકો વિસ્તાર કહી અહીં શૂટ કરવા માટે આવવાની તક મળી તે બદલ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. પાવાગઢના ગૌરવપૂર્ણ ઈતિહાસમાં પાંચસો વર્ષ પછી શિખર ઉપર ધજા ફરકી છે. તમામ માઈ ભક્તોએ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનનો લાભ લેવો જોઈએ અને માતાજીના આશીર્વાદ મેળવવા જોઈએ તેમ કિંજલ દવેએ જણાવ્યું હતું.