પાવાગઢ યાત્રાધામ ખાતે શ્રીફળ વધેરવાના નિર્ણયને શાંત કરવા માંચીમાં શ્રીફળ વધેરવાનું મશીન મુકયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ લઇ આવતા યાત્રાળુઓ મંદિરના વિસ્તારમાં ગમે ત્યાં શ્રીફળ વધેરી ગંદકી અને કચરો કરતા હોવાથી મહાકાળી મંદિર ટ્રસ્ટે મંદિરમાં આવતા ભક્તોએ આખું શ્રીફળ લઈને જ આવવું તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદ પાવાગઢ મંદિરમાં શ્રીફળ વિવાદ ઉભો થયો છે. મંદિરના ટ્રસ્ટીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે ,છોલેલું શ્રીફળ ઉપર મંદિરમાં લઈ આવતા ભક્તો સામે અને વેચનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેના વિરોધમાં અનેક વેપારીઓ આવેદન આપી વિરોધ કરી રહ્યા છે, આ વિરોધ વચ્ચે મંદિર દ્વારા આખું શ્રીફળ વધેરવા માટેનું ઓટોમેટિક મશીન ચાચર ચોકમાં મૂકી આ વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.

ચૈત્રી નવરાત્રિને આડે એકજ દિવસ બાકી છે. ત્યારે પાવાગઢ મહાકાળી મંદિરે રોજ લાખો શ્રાધ્ધળુઓ આવશે અને કોઈ પણ જગ્યાએ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. તેવામાં નવરાત્રિથી પાવાગઢ મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ આવવા ઉપર પાબંદી લગાવવાનો મંદિર ટ્રસ્ટીઓના નિર્ણયના અમલીકરણ માટે ટ્રસ્ટી મંડળ મક્કમ છે. વેપારીઓને પણ છોલેલા શ્રીફળ નવરાત્રિથી નહીં વેચવા જણાવવામાં આવ્યું છે.વેપારીઓ દ્વારા શ્રીફળ નવરાત્રિને લઈ ઓર્ડર આપી મંગાવી લેવામાં આવ્યા છે. ત્યારે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને લગભગ ભક્તોએ વધાવી લીધો છે, પરંતુ સ્થાનિક વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ વિરોધ વચ્ચે આજે માચી ચાચર ચોકમાં આખું શ્રીફળ છોલીને વધેરાય જાય તેવું ઓટોમેટિક મશીન મૂકી તેનું ઉદઘાટન કર્યું છે. માત્ર બે જ સેક્ધડમાં મશીનમાં આખું શ્રીફળ મુકો તો વધેરાય જાય તેવી વ્યવસ્થા આ મશીન દ્વારા ઉભી કરવામાં આવી છે. મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર તેમજ માચીથી ડુંગર ઉપર સ્વચ્છતા જળવાય રહે તે તેવા ઉમદા હેતુથી આ નિર્ણય લીધો હોવાનું જાણવ્યું હતું. તો માઈ ભક્તો છોલેલું શ્રીફળ લઈ મંદિરે આવે છે અને પછી ગમે ત્યાં જગ્યા દેખાય ત્યાં ફોડીને અડધું શ્રીફળ રસ્તે ખૂણે ખાંચરે મૂકી જતા રહેતા ભારે ગંદકી અને કચરો થતો હોવાથી અને માતાજીનો પ્રસાદ અન્ય ભક્તોના પગ નીચે આવતા ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું અપમાન ન થાય માટે આ નિર્ણય મંદિર ટ્રસ્ટે લીધો છે. ઓટોમટિક મશીનના નિર્ણય વીશે મુંબઇથી આવેલા ભક્તે જણાવ્યું હતું કે, શ્રીફળ અહીં વધેરી ગંદકી કરવી એ કરતા માતાજીને અર્પણ કરી ઘરે લઈ જઈએ એ યોગ્ય છે. જે લોકો અહીં કઠિન યાત્રા નથી કરી શકતા અથવા નથી આવી શકતા તેઓને માતાજીનો પ્રસાદ આપણે પહોંચાડી શકીએ અને શ્રીફળ ઘરે લઈ જઈએ તો માતાજીનો અંશ આપણા ઘરે આવે છે. તો મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય આવકાર દાયક છે.