પાવાગઢ,ગુજરાત સરકાર દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુકત સહકાર દ્વારા વિકાસ કાર્યો ઉડીને આંખે વળગે છે. સુંદર અને સરાહનીય છે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર વિહોણા આ મંદિરનુ નવનિર્માણ કર્યા બાદ ઈતિહાસમાં પ્રથમ વખત એક વર્ષ પહેલા ધજા ફરકાવી હતી. જેથી પ્રવાસીઓનો ધસારો વધી ગયો હતો. ત્યારે ખાટલે મોટી ખોટ હોય તેવી મોબાઈલ કનેક્ટિવિટી સેવા સદંતર નિષ્ફળ છે. પાવાગઢ તળેટીથી માઉન્ટ તરફ પ્રયાણ કરીએ તરત જ મોબાઈલ સેવા બંધ થઈ જાય છે. સોૈપ્રથમ આ ક્ષતિ દુર કરવી આવશ્યક છે.આ વિસ્તારમાં અંદાજિત 10 વર્ષ પહેલા ટેલિફોન વિભાગ દ્વારા એક અઘતન ટેલિફોન એકસચેન્જ ઓફિસ બનાવી હતી. વર્ષોથી ટેલિફોન ઓપરેટરની નિમણુંક હતી તે પણ વય મર્યાદામાં નિવૃત્ત થતાં હાલ ટેલિફોન એકસચેન્જ ઓફિસ હાલ શોભાના ગાંઠિયા સમાન ભાસી રહી છે. વારંવાર રજુઆતો કરવા છતાં આ વિસ્તારમાં ટેલિફોન મોબાઈલ ટાવરની કોઈ સગવડ ઉભી કરવામાં આવેલ નથી. કાલી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં બે અઘતન ટાવર ઉભા કરી ભાવિ ભકત સમુદાયને કનેક્ટિવિટી આપવા તૈયાર છે પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતનો ઓબજેકશન પત્રની રાહ જોઈને મંદિર ટ્રસ્ટ બેઠુ છે. કયારે પંચાયત તરફથી મંજુરી મળે અને આ વિસ્તારની મહત્વની જરૂરિયાત સેવા પુરી પડાય. આ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટી નહિ મળતા દર શનિવાર-રવિવારમાં પરિવારથી છુટા પેલાને ભેગા કરવામાં મુશ્કેલી પડે છે.