- ભારે પવનના કારણે રોપ-વે સેવા બંંધ કરાઈ.
પાવાગઢ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના દિવસે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવેલા હજારો શ્રદ્ધાળું ભક્તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અટવાયા હતા. શ્રદ્ધાળુ ભક્તોની ભારે ભીડને કારણે માચી ખાતે વાહનોની લાંબી કતારો લાગી જતા તળેટીમાંથી માચી જતા દર્શનાર્થી ભક્તોના વાહનો પોલીસે અટકાવી દીધા હતા. વાવાઝોડાને કારણે સુવિધા બંધ કરી દેવામાં આવતા શ્રદ્ધાળુ ભક્તોએ મહાકાળી માતાના દર્શને માચીથી મંદિર સુધી ચાલતા જવું પડ્યું હતું. આજે વહેલી સવારે દક્ષિણ પંચમહાલમાં વાતાવરણ બદલાતા અચાનક ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના દિવસે હજારો શ્રદ્ધાળુ ભક્તોની ભીડ જોવા મળી હતી. જોકે, માચી પહોંચેલા યાત્રાળુઓને રોપવે સુવિધા બંધ હોવાથી પગથિયાં ચડીને મંદિર સુધી જવું પડ્યું હતું. વહેલી સવારથી વાહનો ઉપર પાર્ક થઈ જતા માચી ખાતે આવેલું પાર્કિંગ હાઉસફુલ થઈ ગયું હતું. પાવાગઢ તરફના રોડ ઉપર વાહનોની કતારો લાગી હતી. વહેલી સવારે શરૂ કરવામાં આવેલી રોપવે સુવિધા વાવાઝોડાને કારણે બંધ કરી દેવાની ફરજ પડી હતી. જે બપોરે 1:00 વાગ્યા સુધી રોપવે સુવિધા શરૂ ન કરાતા અનેક યાત્રાળુઓ પગપાળા માતાજીના દર્શને પહોંચ્યા હતા. જોકે બપોરે 12:30 કલાક પછી માચી ખાતેનો ટ્રાફિક હળવો થતા તળેટીમાં રોકવામાં આવેલા યાત્રાળુઓને વાહનો સાથે પુન: ઉપર જવા દેવામાં આવ્યા હતા. પાવાગઢ માચી અને ડુંગર ઉપર સવારે આવેલા ભયાનક વાવાઝોડામાં ઉષા બ્રેકોની રોપવે વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સાંભળવા મળ્યં છે. જેના કારણે વ્યવસ્થા બંધ કરી દેવાની ફરજ પડી છે. જોકે, ઉષા બ્રેકો રોપવે સુવિધા ક્યારે કાર્યરત થશે અને કેટલું નુકસાન થયું છે. તે અંગે પૂછપરછ કરવા માટે તેના મેનેજર સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા વારંવાર ટેલીફોન કરવા છતાં મેનેજર દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો નથી. હાલ બપોરે બે વાગ્યા સુધી પણ રોપવે સુવિધા પુન: કાર્યરત કરવામાં આવી નથી. જેથી તમામ યાત્રાળુઓ પગપાળા મંદિર પહોંચી રહ્યા છે.