વડોદરાના ગોત્રી થી મોટરસાયકલ લઈ પાવાગઢ દર્શન કરવા આવેલા બે યાત્રિકોને પાવાગઢના વડા તળાવ નજીક પેસેન્જર ભરેલી છકડાએ ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ છકડો પલટી ખાઈ જતા તેમાં ખીચો ખીચ ભરેલા મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામ ઈજાગ્રસ્તોને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાને ગંભીર ઇજાઓ થતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ગૌરાંગ પરમાર તેઓના મિત્ર સાથે આજે પાવાગઢ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા અને દર્શન કરીને પરત ફરતી વેળાએ તેઓની બાઈકને છકડા ચાલકે અડફેટે લેતા વડા તળાવ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, પરંતુ ખીચો ખીચ પેસેન્જર ભરીને જઈ રહેલો ખાનગી છકડો પલટી ખાઈ જતા તેમાં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
જ્યાં જીતપુરા ગામની મહિલા લીલાબેન ગણપતસિંહ પરમારને ગંભીર ઇજાઓ થતા તેઓને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોક ટોળાં એકત્ર થઈ ગયા હતા. છકડા ચાલક અકસ્માત બાદ છકડો લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.