પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના ઘ્વજારોહણ બાદ માતાજીની પાદુકા તેમજ શ્રીયંત્રના પુજનનો પ્રારંભ કરાશે

હાલોલ,

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે મંદિરના ઘ્વજારોહણ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી ચૈત્રી નવરાત્રિથી મંદિરમાં માતાજીની પાદુકા તેમજ શ્રીયંત્રના પુજનનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.

ચૈત્રી નવરાત્રિનો તા.22મીની પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પાવાગઢ ખાતે મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે નવરાત્રિથી મંદિરમાં માતાજીની પાદુકા અને શ્રીયંત્રનુ પુજન ભકતો કરી શકે તે માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જે મુજબ તા.22મીએ પ્રથમ નોરતે મંદિર પરીસરમાં માતાજીની ગાદી સ્થળે જ આ પુજા મંદિરના પુજારી દ્વારા સંપુર્ણ વિધિ વિધાન સાથે કરાશે. જે માટે સંસ્થાના કાર્યાલયમાં દક્ષિણારૂપે રૂ.1100 ભરી પહોંચી લેવાની રહેશે.પુજામાં બે વ્યકિતઓને જ પ્રવેશ અપાશે. પુજામાં બેસનારે પિતાંબર પહેરવાનુ રહેશે. તેમજ મહિલાને ચુંદડી અપાશે. આ પુજાવિધિનો લાભ નવરાત્રિ બાદ પણ ચાલુ જ રહેશે.