પાવાગઢ, સંસારમાં દીકરા દીકરીની વાત આવે તો પિતા પ્રત્યે પુત્રીનો અને પુત્રી પ્રત્યે પિતાનો પ્રેમ જરા અલગ જ હોય છે. જેને વર્ણવવા કે સમજવા માટે કદાચ શબ્દો પણ ઓછા પડે. પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદારહણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું હતું.
સંતાનો માતા-પિતા બંને માટે વ્હાલસોયા જ હોય છે. સંતાન દિવ્યાંગ હોય તો માતા-પિતાનો તેના પ્રત્યે સ્નેહ બમણા તો જોવા મળે છે. તેઓને સહેજપણ મુશ્કેલી ન પડે તેવા માતા-પિતાના પ્રયાસ રહેતા હોય છે. જોકે સંસારમાં દીકરા દીકરીની વાત આવે તો પિતા પ્રત્યે પુત્રીનો અને પુત્રી પ્રત્યે પિતાનો પ્રેમ જરા અલગ જ હોય છે. જેને વર્ણવવા કે સમજવા માટે કદાચ શબ્દો પણ ઓછા પડે. પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદારહણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું હતું.
અહીં માતાજીના દર્શન કરવા માટે માચીથી એકલા ચાલતા ચઢવું દરેક વ્યક્તિને કપરા ચઢાણની પરીક્ષા વચ્ચેથી પસાર થયા સમુ લાગતું હોય છે. આ સંજોગોમાં એક આધેડવયના પિતા પોતાની 16 વર્ષીય મુકબધીર અને દિવ્યાંગ દીકરીને પીઠ ઉપર બેસાડી માતાજીના દર્શન કરાવવા માટે લઈને આવ્યા હતા.
આણંદ પંથકમાં આવેલા મીંઢળપુર ગામના શ્રમજીવી પરિવારના એક પિતાની દીકરી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ છે. માતાજી દીકરીની જન્મજાત તકલીફ દૂર કરે એવા ભાવ સાથે પોતે દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે તેઓ દીકરીને પણ દર્શન કરાવવાની માતાજી પ્રત્યેની અનોખી શ્રદ્ધા અને અતૂટ વિશ્ર્વાસ સાથે લઈ આવ્યા હતા.
રાત્રે પગપાળા માતાજીના દર્શન કરવા માટે ડુંગર ઉપર જઈ રહેલા પદયાત્રીઓ પિતાની પુત્રી પ્રત્યેની લાગણી અને પ્રેમ જોઈ વિચારતા જ રહી ગયા હતા. કેમ કે, એક પિતા પોતાની 16 વર્ષીય દીકરીના અંદાજીત 40 કિલો વજનને પોતાની પીઠ ઉપર ઊંચકી લઈ જઈ રહ્યા હતા.
પિતાને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, હું બીજીવાર મારી દીકરીને માતાજીના દર્શન માટે લઈને આવ્યો છું. મારે બીજું કંઈ કહેવું નથી. જોકે, અમે બીજું વધુ કંઈ પણ જાણવા કે પૂછવાની અપેક્ષા પણ વ્યક્ત નહોતી કરી. કેમ કે, જે દ્રશ્યો નજરે જોયા તે ધન્ય છે.