હાલોલ, હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતાં પાવાગઢ ડુંગર હીલ સ્ટેશનમાં ફેરવાઈ ગયુ હતુ. જેના પગલે પાવાગઢ ખાતે આવેલા યાત્રાળુઓએ દર્શન સાથે કુદરતી નજારો પણ માણ્યો હતો.
હાલોલ તાલુકામાં છેલ્લા બે દિવસથી શીત લહેર શરૂ થઈ છે. વર્ષ-2024નો પ્રારંભ તથા ઠંડીનો ચમકારો વધી ગયો છે. મેદાની વિસ્તારો કરતા ડુંગર પર ઠંડા પવનના સુસવાટાને કારણે ડુંગર પર વધુ તિવ્રતાથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મેદાની વિસ્તારો કરતા પર્વતી વિસ્તારોમાં સામાન્ય સંજોગોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો ધટાડો થતો હોય છે. જેને લઈ ડુંગર પર બર્ફીલા પવનનો અહેસાસ યાત્રાળુઓ કરી રહ્યા છે. જેના પગલે યાત્રાળુઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે. જોકે ઠંડીના ચમકારાને પગલે યાત્રાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ધટાડો થયો છે. ડુંગર પર વહેલી સવારે ધુમ્મસના સફેદ ગોટે ગોટા ચારેકોર જોવા મળી રહ્યા હતા જેના કારણે ડુંગર પર વિઝીબિલીટી પણ ઓછી થઈ હતી.