સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તેમજ શક્તિપીઠ ડુંગર પર આવેલ રોપ-વે અપર સ્ટેશન પાસે આવેલ છાસીયા તળાળ પ્રાથમિક શાળા જવાના રસ્તા પર પારાવાર ગંદકી તેમજ કાદવ-કિચડને કારણે શાળામાં ભણવા માટે આવતા વિધાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર માતાજીના સાનિઘ્યમાં પંચમહાલ જિલ્લાની નહિ પરંતુ ગુજરાતની સોૈથી ઉંચાઈ પર આવેલ છાસીયા તળાવ પ્રાથમિક શાળા છે. આ શાળામાં વિધાર્થીઓની સંખ્યા 42 છે. તેમાં ધો-1 થી 5ની સ્કુલ બે શિક્ષકોની ચાલે છે. તેમાં ડુંગર પર વસતા લોકોના બાળકો ભણવા માટે આવે છે.આ શાળામાં જવા માટેના રસ્તા ઉપર પારાવાર ગંદકી તેમજ વરસાદમાં કાદવ-કિચડ થઈ જતાં શાળાના વિધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
જેને લઈ શાળામાં ભણવા આવતા શાળામાં જવાનુ ટાળતા હોય છે. જેથી શાળામાં વિધાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે. અને બાળકોનો અભ્યાસ પણ બગડે છે. આ પ્રાથમિક શાળામાં જવાના રસ્તા પરથી ટ્રેકટરની અવર જવર થતી હોવાથી વરસાદી મોસમમાં કાદવ-કિચડ થઈ જાય છે. અને આ રસ્તા ઉપર નિયમિત સફાઈ થતી નહિ હોવાથી ગંદકી થઈ જાય છે. શાળાના બાળકોને અવર જવરમાં કોઈ તકલીફ ના પડે તે માટે યોગ્ય વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.