પાવાગઢ દર્શનાર્થે આવેલા યાત્રાળુઓની ગાડી પલટતા 10 યાત્રાળુ ઇજાગ્રસ્ત

પાવાગઢ, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા આવેલા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી ખાઈ જતા દસેક જેટલા શ્રદ્ધાળુ ભક્તોને ઇજાઓ પહોંચી છે. તમામને 108 એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જીલ્લાના કવાંટથી બોલેરો પીકપ લઈને કેટલાક શ્રદ્ધાળુ ભક્તો પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યા હતા. શ્રદ્ધાળુ ભક્તો સાથેની પીકપ ગાડી પાવાગઢ તળેટીથી માચી જઈ રહી હતી. તે દરમિયાન વળાંક ઉપર ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ટકરાતા પલટી ખાઈ ગઈ હતી. દર્શનાર્થી ભક્તોથી ભરેલી ગાડી પલટી ખાઈ જતા યાત્રાળુઓ રોડ પર ફંગોળાયા હતા. 10 જેટલા યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ તથા તેઓને 108 તથા ખાનગી જીપો દ્વારા હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને રજા આપી દેવામાં આવી હતી.