હાલોલ, પાવાગઢ વિસ્તારમાં ફકત એક જ બેંક ઓફ બરોડા આવેલ છે. આ બેંકના કથળેલા વહીવટથી આજુબાજુના પચાસેક ગામડાઓ અને પાવાગઢ ગામ માંચી હવેલીથી અને માઉન્ટ સુધીના હજારોની સંખ્યાના બેંકના ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બેંકમાં વારંવાર કનેક્ટિવિટી બંધ હોય છે જેને કારણે 15 થી 20 કિ.મી.દુરથી આવતા ગ્રાહકો ધરમધકકા ખાઈ રહ્યા છે. બેકિંગની કામગીરી અન્ય કોઈ પ્રાઈવેટ વ્યકિતને એજન્ટ તરીકે નિમણુંક કરેલ છે તેની પાસેથી બેકિંગ વ્યવહાર કરવા બેંક અધિકારી દ્વારા કરવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય ? ગ્રાહકોના ખાતાની ગુપ્તતા જળવાય ખરી ?આવા અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે. બેંકમાં પાસબુક મશીનનુ પ્રિન્ટર કાયમી ધોરણે બંધ હોય છે. ફકત એક કર્મચારી તો ગ્રાહકના ખાતા બેલેન્સ જોવામાં વ્યસ્ત હોય ત્યારે સરકાર તરફથી આવતી વિવિધ સ્કિમની સમજણ ગ્રાહક સુધી પહોંચાડવાની તો સમજણ કોણ આપે ? પાવાગઢની આ બેંકનો વહીવટ સુધરશે ખરો ? બેંકના અધિકારી વહીવટને સુધારવા કાર્યરત થાય તેવી ગ્રાહકોની માંગ છે. આ યાત્રાધામ પાવાગઢ વિસ્તારમાં એકપણ એ.ટી.એમ.ની સુવિધા નથી. વર્ષે દહાડે લાખોની સંખ્યામાં આવતા ભાવિ ભકતો ભારે વેદના અનુભવે તાકિદે આ બેંકને સુવિધામાં સુધારો થાય તેવી ખાતેદારોની લાગણી અને માંગ ઉઠવા પામી છે.