
નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની માંગ પર બાકી ચૂકવણીની સમયમર્યાદા લંબાવી હતી વન રેન્ક વન પેન્શન કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સુરક્ષા દળોના તમામ પાત્ર પેન્શનરોને ૧૫ માર્ચ સુધીમાં બાકી ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે એક્સ-સવસમેન એસોસિએશનને એવી છૂટ પણ આપી છે કે જો તેઓ કેન્દ્ર સરકારના લેણાંની ચૂકવણીથી સંતુષ્ટ ન હોય તો તેઓ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. કોર્ટે કહ્યું છે કે પાત્રતા ધરાવતા લોકોને વન રેન્ક વન પેન્શનની ચૂકવણીનું કામ ઝડપી કરવામાં આવે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે તેઓ સુનિશ્ર્ચિત કરે કે સુરક્ષા દળોના તમામ પેન્શનરોને તેમની બાકી રકમ ચૂકવવામાં આવે અને તેમાં વધુ વિલંબ ન થવો જોઈએ. એટર્ની જનરલ આર. વેંકટરામણી કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સે ટેબ્યુલેશન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને ટૂંક સમયમાં આ ટેબ્યુલેશનને મંજૂરી માટે સંરક્ષણ મંત્રાલયને મોકલવામાં આવશે. ૧૫ માર્ચથી પેન્શનધારકોના ખાતામાં એરિયર્સ આવવાનું શરૂ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને સરકારે વન રેન્ક વન પેન્શન હેઠળ પેન્શનધારકોની બાકી રકમની ચુકવણી માટે સમયમર્યાદા ૧૫ માર્ચ, ૨૦૨૩ સુધી લંબાવવાની માંગ કરી હતી. આ બીજી વખત હતું જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની માંગ પર બાકી ચૂકવણીની સમયમર્યાદા લંબાવી હતી. અગાઉ ગયા વર્ષે જૂનમાં પણ કેન્દ્ર સરકારે પેમેન્ટ માટે ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો.
ગયા મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય કેબિનેટે વન રેન્ક વન પેન્શન હેઠળ સુરક્ષા દળોના પેન્શનરોને સુધારેલા પેન્શનને મંજૂરી આપી હતી. જેના કારણે પેન્શનરોના પેન્શનમાં વધારો થયો છે. રક્ષા મંત્રાલયના ડેટા અનુસાર, સુધારેલા પેન્શન હેઠળ કોન્સ્ટેબલના રેક્ધમાંથી નિવૃત્ત થયેલા પેન્શનધારકોને હવે લગભગ ૨૦ હજાર રૂપિયાનું પેન્શન મળશે. આ સાથે કોન્સ્ટેબલ રેન્ક ના પેન્શનધારકોને ૧ જુલાઈ, ૨૦૧૯ થી ૩૦ જૂન, ૨૦૨૨ સુધીના સમયગાળા માટે ૮૭ હજાર રૂપિયાનું એરિયર્સ ચૂકવવામાં આવશે.