વોશિંગ્ટન, ટેક્નોલોજીના આધુનિક યુગમાં યુદ્ધના ક્ષેત્રો સરહદોથી બદલાઈને આથક અને સાયબર યુગમાં પ્રવેશ્યા છે ત્યારે ચીન સરકાર સમર્થીત હેર્ક્સે અમેરિકન પત્રકારો, કંપનીઓ, અધિકારીઓ અને લોક્તંત્રની તરફેણ કરનારા એક્ટિવિસ્ટ તેમજ યુકેના ઈલેક્શન વોચડોગ પર સાયબર હુમલા કર્યા હોવાનો અમેરિકા અને બ્રિટિશ ઓથોરિટીએ દાવો કર્યો છે.
આ અધિકારીઓનું કહેવું છે કે જિનપિંગ સરકાર સમથત આ હેર્ક્સનો ઉદ્દેશ્ય ચીની સરકારના ટીકાકારોને પરેશાન કરવા, અમેરિકન કંપનીઓના વેપારની ગુપ્ત માહિતી ચોરવી અને ટોચના નેતાઓની જાસૂસી કરાવવાનો છે. અમેરિકા અને બ્રિટનના આ આરોપોમાં ન્યૂઝીલેન્ડ પણ જોડાયું છે.
ચીન દ્વારા તેની એપ્સ મારફત જાસૂસી કરાવવાની આશંકા હેઠળ ભારતે ચીનની અનેક એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધા છે. હવે અમેરિકા અને બ્રિટિશ અધિકારીઓએ ચીન સરકાર સાથે સંકળાયેલા હેકરો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ હેકરો પર અનેક ગુનાઈત આરોપો મૂક્તા અમેરિકા અને બ્રિટનના અધિકારીઓએ કહ્યું છે કે સાતથી વધુ હેકરોએ જિનપિંગ સરકારના સમર્થનથી અમેરિકા અને બ્રિટનના પત્રકારો, અધિકારીઓ, એક્ટિવિસ્ટ્સ અને બ્રિટનની ચૂંટણી નીરિક્ષણ સંસ્થાને નિશાન બનાવી છે. આ હેકરોની માહિતી આપનારને એક કરોડ ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે. ન્યૂયોર્કમાં અમેરિકન ફેડરલ કોર્ટે સાત ચીની નાગરિકોને દોષિત ઠેરવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, આ અભિયાન વર્ષ ૨૦૧૦માં શરૂ થયું હતું, જેનો આશય ચીની સરકારના ટીકાકારોને પરેશાન કરવા, અમેરિકન કંપનીઓની ગુપ્ત માહિતી ચોરી લેવી અને ટોચના નેતાઓની જાસૂસી હતો. ચીનના આ કૃત્યની અસર અમેરિકા અને બ્રિટનના લાખો નાગરિકો પર પડશે, કારણ કે તેનાથી લોકોના કોલ રેકોર્ડ, પર્સનલ ઈમેલ, ઓનલાઈન સ્ટોરેજ અને ટેલીફોન કોલ રેકોર્ડની માહિતી રખાઈ રહી છે.
પશ્ર્ચિમી દેશોના અધિકારીઓએ ’એપીટી૩૧’ નામના હેકર જૂથના અભિયાનનો ઘટસ્ફોટ કર્યો છે. અમેરિકન ન્યાય વિભાગે ચીનમાં રહેતા સાત હેકરો પર આરોપ ઘઢ્યા છે. બ્રિટિશ સરકારે પણ તેના લાખો મતદારો અંગે ચૂંટણી પંચની પાસે ઉપલબ્ધ માહિતી સુધી ચીનની પહોંચ હોવા સંબંધિત એક ભંગના સંબંધમાં બે લોકો પર પ્રતિબંધ મૂક્યા છે.
અમેરિકામાં એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે કહ્યું કે, ન્યાય વિભાગે જનતાની સેવા કરનારા અમેરિકનોને ધમકાવવા, અમેરિકન કાયદા દ્વારા સંરક્ષણ પ્રાપ્ત અસંતુષ્ટોને ચૂપ કરાવવા અથવા અમેરિકન કારોબારની માહિતી ચોરવાના ચીની સરકારના પ્રયત્નોને સાંખી નહીં લેવાય. ફરિયાદીઓએ જણાવ્યું કે સાયબર ઘૂસણખોરોના અભિયાન હેઠળ હેકરોએ દુનિયાભરમાં નિશાન બનાવેલા ૧૦,૦૦૦થી વધુ ઈ-મેલ મોકલ્યા, જે કથિત રીતે અગ્રણી પત્રકારોએ મોકલ્યા હોવાનું જણાતું હતું પરંતુ હકીક્તમાં તેમાં હેકિંગ કોડ હતા.
બ્રિટને ગયા વર્ષે ઑગસ્ટમાં જાહેરાત કરતા કહ્યું હતું કે ’શત્રુ તાક્તો’એ ૨૦૨૧થી ૨૦૨૨ વચ્ચે તેના સર્વર સુધી પહોંચ હાંસલ કરી લીધી હતી. તે સમયે ચૂંટણી પંચે કહ્યું હતું કે આ આંકડાઓમાં તેના નોંધણી કરાવેલા મતદારોના નામ અને સરનામા સામેલ છે. બ્રિટનના નાયબ વડાપ્રધાન ઓલિવર ડાઉડેને કહ્યું કે તેમની સરકાર આ કૃત્યો માટે ચીનના રાજદૂતને સમન પાઠવશે. ચીનના વિદેશ મંત્રાલયે આ જાહેરાત પહેલાં કહ્યું હતું કે, દેશોએ તથ્યાત્મક આધાર વિના અન્યોને ’બદનામ’ કરવાના બદલે પુરાવાના આધારે પોતાના દાવા કરવા જોઈએ.
ન્યૂઝીલેન્ડના સુરક્ષા મંત્રીએ પણ મંગળવારે કહ્યું કે, ચીન સરકાર સાથે સંબંધિત હૈકરોએ સરકાર પ્રાયોજિત અભિયાન શરૂ કર્યું, જેના હેઠળ ૨૦૨૧માં તેના દેશની સંસદને નિશાન બનાવાઈ હતી. ન્યૂઝીલેન્ડના મંત્રી જુડિથ કોલિન્સે મીડિયાને કહ્યું કે, દુનિયામાં ક્યાંય પણ લોક્તાંત્રિક સંસ્થાઓ અને પ્રક્રિયાઓમાં સાયબર સમથત જાસૂસી અભિયાનનો હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે.