હાલોલ,,
પાવાગઢ યાત્રાધામ ખાતે મહાકાળી માતાજી મંદિરના ગર્ભગૃહમાંથી ૨૮ ઓકટો.ના રોજ ચોરીના બનાવમાં એલસીબી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ બાતમીદાર અને ટેકનીકલ એનાલિસીસના આધારે શંકાસ્દપ નસારપુર, તા.ઉમરપાડા, સુરતના ઈસમને શોધી કાઢવામાં આવ્યો હતો. અને પોલીસે પુછતાછ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાંથી ચોરી કરેલ સોનાના હાર નંગ-૬, મુંગટ નંગ-૨ નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરના ગર્ભગૃહમાંથી તા.૨૮/૧૦/૨૦૨૪ના રોજ રાત્રિના સમયે માતાજીના આભુષણોની ચોરીની ફરિયાદ નોંધાવવા પામી હતી. પાવાગઢ યાત્રાધામ ખાતે મંદિરમાં ચોરીના બનાવની તપાસ ગોધરા એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. એલસીબી પોલીસ દ્વારા મંદિર પરીસરના તથા પાવાગઢ તરફ આવતા એન્ટ્રી-એક્ઝિટના સીસીટીવી કેમેરા ખાતે અલગ અલગ એંગલથી ચેકિંગ કરવામાં આવી હતી. તેમજ બાતમીદારો અને ટેકનીકલ એનાલિસીસને ઘ્યાને લઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, મોટર સાયકલ નં.જીજે-૧૬-ડીએલ-૯૪૯૭નો ચાલક તા.૨૭/૧૦/૨૦૨૪ના રોજ પાવાગઢ આવેલ હતો. તે ઈસમ પાવાગઢ તેમજ મંદિર પરીસરના સીસીટીવીમાં શંકાસ્પદ હીલચાલ જણાઈ આવેલ હોય જેથી ઈસમે ચોરીને અંજામ આપ્યો હોવાની ખાતરી થઈ હતી. અને શંકાસ્પદ ઈસમ વિદુરભાઈ ચંદ્રસિંગભાઈ વસાવા(રહે.નસારપુર, વાકી ફળિયુ, તા.ઉમરપાડા, સુરત)તરીકે ઓળખ થતાં બાતમીદારની મદદથી ઝંખવાવ સુરત ગ્રામ્ય ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદુર વસાવાની પુછપરછ દરમિયાન ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે પુછપરછ દરમિયાન આરોપી ઈસમે કબુલાત કરી કે, મોટરસાયક નં.જીજે-૧૬-ડીએલ-૯૪૯૭ લઈને ૨૭/૧૦/૨૦૨૪ના રોજ પાવાગઢ આવ્યો હતો. અને રાત્રિના સમયે મંદિર પરીસરના મુખ્ય દ્વારથી ઉપર હવા ઉજાસ માટે વેન્ટિલેશન વાળા હોલમાંથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અને મહાકાલી માતાજીની તેમજ અન્ય મુર્તિઓ પરથી સોનાના હાર નંગ-૬, મુંગટ નંગ-૨ની ચોરી કરેલ હતી. ત્યાંથી ધરે આવી પોતાની ટ્રક નં.જીજે-૦૯-ઝેડ-૯૮૩૧માં ડ્રાઈવર સીટની પાછળ લાકડાની પેટીમાં મુકી દીધેલ હોવાની કબુલાતના આધારે ગોધરા એલસીબી પોલીસ દ્વારા પાવાગઢ મંદિરમાં થયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.