પત્નીએ પ્રેમીના સાથે મળી પતિની હત્યા કરાવી:50 હજારની સોપારી આપી 4 શખ્સો પાસે કરાવ્યું કૃત્ય, પોલીસે તમામને ઝડપી પાડ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ ગામની સીમમાં આવેલા તળાવમાંથી 26 ડિસેમ્બરે એક યુવકની લાશ મળી આવી હતી. મૃતક પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના 30 વર્ષીય પ્રભાતભાઇ બારીઆની ઓળખ થઈ હતી. શરૂઆતમાં અકસ્માત મોતનો કેસ નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હથિયારથી થયેલી ઈજાઓને કારણે મોત થયાનું બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતકની પત્ની દક્ષા અને અમદાવાદના ફેકટરીમાં મૃતક સાથે કામ કરતા રામુ રામદાસ ગુપ્તા જે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. રામુ અને પ્રભાત અમદાવાદની એક જ કંપનીમાં કામ કરતા હતા, જ્યાં રામુનો દક્ષા સાથે પરિચય થયો હતો. દક્ષા અને રામુએ પ્રભાતને તેમના પ્રેમ સંબંધમાં આડે આવતો હોવાથી તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું.

આ માટે રામુએ તેની સાથે કામ કરતા ગણપત પટેલીયાને ₹50,000ની લાલચ આપી હત્યામાં સામેલ કર્યો. ગણપતે પોતાના ગામના બે અન્ય શખ્સો – અશ્વિન પટેલીયા અને ગોપાલ પટેલીયાને પણ આ કાવતરામાં સામેલ કર્યા. દક્ષાના કહેવાથી રામુએ ગણપતને ₹20,000 આપ્યા, જેમાંથી ગણપતે ₹5,000 પોતાની પાસે રાખ્યા, અશ્વિનને ₹10,000 અને ગોપાલને ₹5,000 આપ્યા.

મહીસાગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીના આધારે તપાસ કરી પત્ની દક્ષા સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આ કેસમાં IPC કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં પ્લાન નક્કી કર્યા બાદ રામુ પોતે અમદાવાદથી કોઠંબા 20 ડિસેમ્બરની સાંજે આવેલો અને ગણપતે પોતાના ગામ જામાના મુવાડા થી ગોપાલ પુનાભાઇ પટેલીયા તથા અશ્વિન ગલાભાઇ પટેલીયાને જોડે રાખી બે બાઇક ઉપર કોઠંબા આવેલા અને રામુને મળ્યા હતા. બાદમાં આ ચારેય ખારોલ ગામે ગયા અને બાઇક સાઇડમાં ઉભા રાખી ગોપાલ પોતે બજારની દુકાનમાંથી પાવડાનો હાથો ખરીદી લાવ્યો અને બાઇક ઉપર બેસી પ્રભાતને લેવા માટે નીકળ્યો અને પ્રભાતના ગામ ભીમથલ નજીક જઇ રામુએ દક્ષાનો સંપર્ક કરી પ્રભાતને રોડ ઉપર મોકલવા માટે કીધું જેથી દક્ષાએ પ્રભાતને અમદાવાદથી રામુ આવ્યો છે એને કંઇક કામ છે. તેમ કહીને રોડ ઉપર રામુને મળવા માટે મોકલ્યો.

આ પ્રભાત રામુને અગાઉ બે વર્ષથી ઓળખતો હોવાથી કંઇ પણ શંકા કે સંકોચ વગર રામુની બાઇક ઉપર બેસી ગયો અને આ ચારેય જણા પ્રભાતને બજારમાં કામ છે. તેમ કહીને સીગ્નલી ચોકડી બાજુ લઇ ગયા અને ત્યાંથી પાછા ખારોલ ગામની સીમમાં તળાવ નજીક લઇ ગયા ત્યાં આ ચારેય તથા પ્રભાત બાઇક ઉપરથી ઉતરી નીચે ઉભા રહેલા તે દરમ્યાન રામુએ પ્રભાતને પકડી રાખ્યો અને અશ્વિને માથામાં પાવડાના હાથાથી ફટકો માર્યો જેથી પ્રભાત નીચે પડી જતાં તેના હાથમાંથી ગોપાલે પાવડાનો હાથો લઇ પ્રભાતના માથામાં ફરીથી ફટકો માર્યો અને પ્રભાતના ગળામાં રૂમાલ જેવું કંઇક હતું તેનાથી ગણપત અને રામુએ ટુપો દિધો અને ત્યારબાદ ગળામાં ટુપો દીધેલ રૂમાલથીજ પ્રભાતને ઘસડીને તળાવના પાણીમાં નાખી દીધો અને ત્યાંથી ભાગી ગયા હતા.

આ તમામ આરોપીઓની વિગતો ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે મહીસાગર એલ.સી.બી.એ.ગણતરીના કલાકોમાં મૃતકની પત્ની તેનો પ્રેમી અને અન્ય ત્રણ આરોપી મળી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને વધુ કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનમાં ખાતે સોંપવામાં આવ્યા છે. પોલીસે મર્ડરના ગુનામાં વપરાયેલા મોટરસાયકલ તથા પાવડાનો હાથો કબજે કર્યો છે.

ઝડપાયેલા તમામ આરોપી

રામુ રામદાસ ગુપ્તા ઉ.વ.30 ધંધો.નોકરી, હાલ રહેવાસી. નાંદોલી ગામ.રવીન્દ્રભાઇ શકયના ઇલેકટ્રીક લાઇટ ડેકોરેશનના ગોડાઉનમાં તા.કલોલ,જી.ગાંધીનગર મુળ રહે.ગામ.જેતપુરા મઢી,તા.રોન, થાના.રોન, જી.ભીંડ (મધ્યપ્રદેશ)

ગણપત નાનાભાઇ પટેલીયા ઉ.વ.35 ધંધો. રસોઇ બનાવવાનો રહેવાસી- હાલ અમદાવાદ ભાડજ, સાયન્સ સીટી રોડ, મુકેશભાઇ પંચાલના અવધુત લાઇટીંગ ડેકોરેશનના ગોડાઉનમાં જી.અમદાવાદ મુળ રહે. ગામ. જામાના મુવાડા લસબણીયા ફળીયા, તા.લુણાવાડા, જી.મહીસાગર

ગોપલ પુનાભાઇ પટેલીયા ઉ.વ-40 ધંધો-ખેતી રહે-જામાના મુવાડા માતાવાળુ ફળીયુ, તા.લુણાવાડા જી,મહીસાગર.

અશ્વીન ગલાભાઈ પટેલીયા ઉ.વ-27 ધંઘો.ડ્રાઈવિંગ રહે, જામાનામુવાડા, કોતર વાળુ ફળીયું તા લુવાવાડા જી. મરીસાગર.

દક્ષા પ્રભાતભાઇ બારીયા ઉ.વ-30 રહે.ભીમથલ ગામ,તા.શહેરા જી.પંચમહાલ.