નવીદિલ્હી, વૈવાહિક બળાત્કારના ગુનામાં પતિને રક્ષણ મળે કે નહીં એ બાબતે સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચ વિચારણા કરશે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે કેસના ’અરજન્ટ લિસ્ટિંગ’ની માંગણી સામે આવો જવાબ આપ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, વૈવાહિક બળાત્કાર અંગેના મુદ્દાનો ઉકેલ લાવવો જરૂરી છે.વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંઘે જણાવ્યું હતું કે, ’પતિ પુખ્ત વયની પત્નીને સેક્સ માટે ફરજ પાડે તો એ ગુનામાં પતિને રક્ષણ મળી શકે?’
તેમણે કેસની તાકીદે સુનાવણી હાથ ધરવાની માંગ કરી હતી. જોકે, ચીફ જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, વિવિધ બંધારણીય બેન્ચ અગાઉથી લિસ્ટ કરાયેલા કેસની સુનાવણી પૂરી કરશે પછી સુપ્રીમ કોર્ટ આ મુદ્દાની પણ ચકાસણી કરશે. અત્યારે ઇન્ડિયન પિનલ કોડ (આઇપીસી)ની કલમ ૩૭૫ (બળાત્કાર)માં અપવાદની જોગવાઈ છે. સૂચિત કલમ પુખ્ત વયની પત્નીની સંમતિ વગર સંભોગ કરે તો પતિને બળાત્કારના ગુનાની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેને કોર્ટમાં પડકારવામાં આવી છે.
ઇંદિરા જયસિંગે જણાવ્યું હતું કે, ’મારો કેસ બાળકોના જાતીય શોષણ અંગેનો છે.’ જોકે, ચંદ્રચુડ ઉપરાંત, પી એસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે, ’વૈવાહિક બળાત્કારના મુદ્દાનો ઉકેલ લાવવો જરૂરી છે.’ ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ’ત્રણ જજની બેન્ચે આ તમામ અરજીઓની સુનાવણી કરશે. પાંચ જજની બંધારણીય બેન્ચ દ્વારા કેટલાક કેસની સુનાવણી પૂરી થયા પછી આ કેસની કાર્યવાહી શરૂ થશે.’ પાંચ જજની બંધારણીય બેન્ચ અત્યારે મોટર વ્હિકલ એક્ટ હેઠળ વિવિધ પ્રકારના વાહનોને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા અંગેની અરજીઓની સુનાવણી કરી રહી છે. ત્યાર પછી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ ૩૭૦ની નાબૂદીનો કેસ પણ ચાલવાનો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૧૬ જાન્યુઆરીએ વૈવાહિક બળાત્કારના ગુના તેમજ પતિને ઇમ્યુનિટી આપતી આઇપીસીની જોગવાઈ સંબંધી અરજીઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો હતો. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સમસ્યાના કાનૂની અને સામાજિક પ્રત્યાઘાત પડી શકે. સરકાર આગામી સમયમાં અરજીઓનો જવાબ આપશે.’