મોરબી : મોરબીના ખાનપર ગામે વાડીમાં મહિલાની તેના જ પતિએ હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપી પતિએ પત્નીનો મૃતદેહ લઈને મોરબીથી 450 કિલોમીટર દૂર પોતાની સાસરીમાં છોટાઉદેપુર પહોંચી ગયો હતો. જે બનાવની મૃતક મહિલાના દીકરાએ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની રેમલાભાઈ નાયકા અને તેમના પત્ની જીનકીબેન નાયકા વાડીમાં રહી ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. બંને પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને અણબનાવ થતા પતિ રેમલાભાઇ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ઘરમાં રહેલ દાંતરડાથી તેની પત્નીના ગળા અને માથાના ભાગે હુમલો કરતા પત્નીનું મોત થઈ ગયું હતું. હત્યા બાદ આરોપીએ કારમાં પત્નીના મૃતદેહને લઈને પોતાના વતન છોટાઉદેપુર પહોંચી ગયો હતો. મૃતકના પરિવારજનોને પોતાની દીકરીની હત્યા થઈ હોવાની જાણ થતા તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરતા છોટાઉદેપુર પોલીસે મૃતકના પુત્ર હસમુખભાઈ રેમલાભાઈ નાયકાની ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરાવી હતી અને મોરબી પોલીસને જાણ કરી હતી. બાદમાં છોટાઉદેપુર પોલીસે આરોપીનો કબજો મોરબી પોલીસને સોંપી દેતા મોરબી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખાનપર ગામે આવેલ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડવેરાની વાડીમાં રહેતા અને ખેતમજૂરી કરતા રેમલાભાઈ અને તેમના પત્ની જીનકીબેન વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. રેમલાભાઈએ પોતાની પત્ની જીનકીબેનના માથાના ભાગે દાતરડાના ચાર-પાંચ ઘા ઝીંકી દેતા તેનું મોત થઈ ગયું હતું. રાત્રિના સમયે હત્યા થઈ જતા જે અંગેની જાણ વાડી માલિકને કરાઈ હતી. તેમણે મૃતકની અંતિમવિધિ છોટાઉદેપુરમાં કરવા માટે વાહનની વ્યવસ્થા કરી આપી હતી. આરોપી રેમલાભાઇ હત્યા કરાયેલી પત્નીની લાશ લઈને પોતાના પુત્ર હસમુખ સાથે વતન પહોંચી ગયા હતા. મોરબીથી 450 કિલોમીટર અંતર કાપીને એક મૃતદેહ સાથે તેઓ છોટાઉદેપુર સુધી પહોંચી ગયા હતા.
પોતાની દીકરીની લાશ જોઇને મૃતકના પરિવારજનો પર જાણે આભ ફાટી ગયું હતું. તેમણે સ્થાનિક પોલીસને જાણ કરતા તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો. પોલીસે આરોપી પતિનો કબજો લઇ મૃતક મહિલાના દીકરા હસમુખની ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી આ ફરિયાદ અંગે મોરબી પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે આરોપી રેમલાભાઈ નાયકાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહી પ્રશ્ન એ થાય છે સુરક્ષાના અને પોલીસ ચેકિંગના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે ત્યારે એક આરોપી એક હત્યા કરાયેલો મૃતદેહ સાથે મોરબીથી 450 કિલોમીટર દૂર કોઈ પણની નજરમાં આવ્યા વગર કેવી રીતે પહોંચી ગયો.