પત્નીના પ્રેમીને પતિએ પતાવી દીધો: ઘરેથી સોડા પીવા નીકળેલા યુવકનો ભેટો પ્રેમિકાના પતિ સાથે થયો અને ખૂની ખેલ ખેલાયો

કલોલ, રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પતિએ જાહેરમાં હત્યા કરી દીધી છે. કલોલ સિંદબાદ હોટલ સામે ગઈકાલે રાતે ’પતિ પત્ની ઓર વો’ના ટ્રાએંગલમાં ચાલતી માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો હતો. પતિએ પત્નીની નજર સામે જ પ્રેમીની હત્યા કરી દેવામાં આવતા કલોલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કલોલ શહેર પોલીસના જણાવ્યા અનુસાર કલોલ દરબારની ચાલીમાં રહેતા રમજાની ઉર્ફે પપ્પુ અનવરભાઈ અજમેરી (ઉ. ૩૦ આશરે) અને જિગર બાબુભાઈ ભાટી (ઉ. ૨૫) પાડોશીઓ હતા. પપ્પુની પત્નીને જિગર સાથે આંખો મળી ગઈ હતી. જેની જાણ પપ્પુને થઈ ગઈ હતી. જેથી તે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી બંનેને અવૈધ સંબંધોનો અંત લાવવા મથામણ કરી રહ્યો હતો, પરંતુ જિગર અને પપ્પુની પત્ની પ્રેમમાં એટલા ગળાડૂબ થઈ ગયાં હતાં કે અવૈધ સંબંધોનો કોઈ કાળે અંત લાવવા તૈયાર ન હતાં. ધીમે ધીમે બંનેના પ્રેમ પ્રકરણની વાત જગજાહેર થઈ ગઈ હતી. તેમ છતાં પ્રેમીપંખીડા એકબીજાને મળતાં રહેતાં હતાં. આ વાતથી પપ્પુ નાસીપાસ થઇ ગયો હતો.

પોતાની પત્નીને અવૈધ સંબંધોનો અંત લાવવા ઘણી સમજાવી હતી, પણ છેલ્લાં ત્રણેક વર્ષથી બંને વાત સમજવા તૈયાર ન હતાં. જેના કારણે ઘણીવાર પપ્પુ અને જિગર વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થયા કરતી હતી. જેના પગલે જિગરના પિતાએ ઉક્ત ભાડાનું મકાન ખાલી કરીને પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યું હતું. ગઈકાલે રાતે જિગર તેની માતા પાસેથી ૨૦ રૂપિયા લઈને સોડા પીવા માટે નીકળ્યો હતો. એ વખતે પપ્પુએ ફોન કરીને તેને સિંદબાદ હોટલ સામે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. એ વખતે પપ્પુની પત્ની પણ હાજર હતી. આ દરમિયાન પપ્પુએ તીક્ષ્ણ ડિસમિસ જેવા હથિયારથી જિગરની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા અને પળવારમાં જ જિગર તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો.

આ બનાવના પગલે કલોલ શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પપ્પુને રાઉન્ડઅપ કરી લીધો હતો. આ અંગે જિગરના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જિગરની માતાએ કહ્યું હતું કે, જિગર ઘરેથી ૨૦ રૂપિયા લઈને નીકળ્યો હતો અને ૧૦ મિનિટમાં જ એની હત્યાના સમાચાર આવ્યા હતા. જ્યારે જિગરના ભાઈ સુનિલે પોલીસને ફરિયાદ આપેલી કે, રાતે જિગરનો ફોન આવ્યો હતો. જેણે પપ્પુ સાથે ઝઘડો થયો હોવાનું કહીને મને સ્થળ પર બોલાવ્યો હતો. જોકે, જિગર અને પપ્પુ વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઇ હોવાથી મેં તેને ત્યાંથી ઘરે આવી જવાનું કહીને ફોન મૂકી દીધો હતો. જે પછી મને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે વાતચીતમાં કહ્યું હતું કે, જિગરને રમજાનીની પત્ની સાથે ત્રણેક વર્ષથી અફેર હતું. તેઓ પહેલાં એકબીજાના પાડોશમાં રહેતા હોવાથી જિગર અને પપ્પુની પત્નીની આંખો મળી ગઈ હતી. ગઈકાલે પપ્પુ – જિગર વચ્ચે અવૈધ સંબંધોને લઈને માથાકૂટ થઇ હતી અને પપ્પુએ ડિસમિસ જેવા તીક્ષ્ણ હથિયારથી જિગરની છાતીના ભાગે ઘા ઝીંકી દીધો હતો. હાલમાં હત્યાનો ગુનો નોંધી રમજાની ઉર્ફે પપ્પુની ધરપકડ કરી લેવાઈ છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.