પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતા: નીતિન પટેલ

મહેસાણા, મહેસાણામાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્ર્વ ઉમિયા ધામ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું ધારાસભ્ય હતો ત્યારે જે વ્યક્તિ આવે તે મને સલાહ આપતી હતી. હું પોતે પણ જાણું છું કે હું કંઈ સર્વજ્ઞ નથી, પણ જે લોકોને ઘરે પત્ની પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો પણ મને સલાહ આપતા હતા. આવા લોકો ઘરે બેઠા હોયને પત્ની એમ કહે કે મને પાણી આપો તો પત્ની પણ એમ કહેતી હોય કે જાતે લઈ લો એવા લોકો મને સલાહ આપતા હતા.

કોઈ વ્યક્તિ પ્રોફેસર હોય અને સલાહ આપે તે સમજી શકાય છે. કોઈ વ્યક્તિએ તેના ફિલ્ડમાં કંઇક પ્રદાન કર્યુ હોય અને તે સલાહ આપે તો પણ સમજી શકાય. મારું કહેવું છે કે સલાહ આપનારમાં પણ ક્ષમતા હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે નીતિન પટેલ એક સમયે મહેસાણાં લોક્સભા બેઠક માટે ટિકિટના દાવેદાર ગણાતા હતા, પરંતુ પછી તેમણે પક્ષના દબાણના લીધે તેમનું નામ પરત ખેંચ્યું હતું. એક સમયે તેઓ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા, પરંતુ વિજય રૂપાણીનું નામ છેલ્લી ઘડીએ આવતા તેમણે નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો હતો. મુખ્યમંત્રી ન બની શકવાનો અસંતોષ તેમને રહી ગયો છે. આમ છતાં પણ તે સ્વીકારે છે કે પક્ષના કાર્યકર તરીકે પક્ષે મને ઘણું આપ્યું છે.