અલ્હાબાદ હાઈકોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું હતું કે જો પત્નીની વય 18 વર્ષ કે તેનાથી વધુ હોય તો વૈવાહિક દુષ્કર્મને આઈપીસી હેઠળ ગુનો ન મનાય. કોર્ટે આ ટિપ્પણી કરવાની સાથે જ પતિને પત્ની વિરુદ્ધ અપ્રાકૃતિક ગુનો કરવાના આરોપથી મુક્ત કરી દીધો હતો.
આ આદેશ જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે પત્નીની અરજી પર આપ્યો હતો. અરજદાર પત્નીએ આરોપ મૂક્યો હતો કે તેમના લગ્ન એક અપમાનજનક સંબંધ હતા અને પતિએ મૌખિક અને શારીરિક રીતે દુર્વ્યવહાર કર્યો હતો. તેની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધો બાંધવામાં આવ્યા હતા.
કોર્ટે આ મામલે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે દેશમાં અત્યાર સુધી વૈવાહિક દુષ્કર્મને ગુનો મનાયો નથી. આવી અરજીઓ હજુ પણ સુપ્રીમકોર્ટમાં લંબિત છે. એટલા માટે જ્યાં સુધી કોર્ટ આ મામલે કોઈ ચુકાદો નહીં આપે ત્યાં સુધી વૈવાહિક દુષ્કર્મ માટે કોઈ અપરાધિક દંડ નથી.
કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટની એક ટિપ્પણીનો હવાલો આપતાં કહ્યું કે વૈવાહિક સંબંધોમાં કોઈ પણ અપ્રાકૃતિક ગુના (IPCની કલમ 377 હેઠળ) માટે કોઈ સ્થાન નથી. કોર્ટે પતિને ક્રૂરતા (498-એ) અને ઈજા પહોંચાડવા (IPCની કલમ 323) સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવ્યો જોકે કલમ 377 હેઠળ આરોપોથી મુક્ત કરી દીધો.