પાટનગરમાં હવેથી રેલી કે સરઘસ નહીં કાઢી શકો, વહિવટી તંત્રે બહાર પાડ્યું જાહેરનામું!

ગાંધીનગર,રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વિવિધ મંડળો અને સંઘો દ્વારા પોતાની માંગણી-રજુઆતોને લઇને પ્રદર્શન-દેખાવો કરતા હોય છે. જે માટે સે-૬ ખાતે સત્યાગ્રહ છાવણી નિયત કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં કાયદો એન વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે રેલી-સરઘસ નહીં કાઢવાના ફરમાન કરતું જાહેરનામું વહિવટી તંત્ર દ્વારા પ્રસિધ કરવામાં આવ્યું છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પણ જરૃરી સુચનો કરવામાં આવ્યા છે.

ગુજરાતનું પાટનગર હોવાને કારણે અઙીં વિધાનસભા, સચિવાલય, રાજભવન, મંત્રી નિવાસો તથા દરેક વિભાગની કચેરીઓ આવેલી છે. તેથી વિવિધ મંડળો અને સંઘો દ્વારા પોતાની માંગણીઓ તથા રજુઆત માટે ગાંધીનગર કૂચ કરવામાં આવતી હોય છે અને અહીં મંડળો ભેગા થઇને દેખાવો કરતા હોય છે.માંગણી મજબુત બને તે માટે રેલી-સરઘસ પણ કાઢતા હોય છે જેનાથી ગાંધીનગરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળે છે આવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરત જોષી દ્વારા રેલી-સરઘસ પર મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી સેક્ટર-૬ ખાતે મંડળો રજુઆત કરવા આવી શકશે પરંતુ સભા, સરઘસ કે રેલી માટે પોલીસના અભિપ્રાય સાથે મામલતદારની મંજુરી ફરજીયાત છે.

આ ઉપરાંત ગાંધીનગરમાં શાંતિ રહે તે માટે હથિયારબંધી પણ ફરમાવામાં આવી છે. તલવાર, ધોકા,બંદુક, છરા કે સળગતી મસાલ સહિતના તમામ હથિયાર સાથે નહીં રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તો પુતળા નહીં બાળવા તેમજ ઉશ્કેરણીજનક કે છટાદાર ભાષણ નહીં કરવા પણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આમ, કરવામાં આવશે તો અટકાયતી પગલા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.