પટણા,
બિહાર સરકાર દ્વારા પટના હાઈકોર્ટના ૭ જજોના જીપીએફ ખાતા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશને પટના હાઈકોર્ટના જજોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જજો તરફથી તેમના વકીલે જણાવ્યું હતું કે ૭ જજોના જીપીએફ ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં વહેલીતકે સુનવણી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે આ બાબતે જજોની અરજી પર સુનાવણી કરવા તૈયારી બતાવવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી શુક્રવારે કરશે. અરજદાર જજોના વકીલે જણાવ્યું કે સરકારે હાઈકોર્ટના જજોના જીપીએફ ખાતા બંધ કરી દીધા છે જેના ગંભીર પરિણામો આવ્યા છે આથી ચીફ જસ્ટીસ ડીવાયએ ચંદ્રચુડ, જસ્ટીસ કૃષ્ણમુરારી અને જસ્ટીસ પી.એસ. નરસિમ્હાની બેંચે આશ્ર્ચર્યથી પૂછયું કે શું ખરેખર જજોના જીપીએફ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે ? તેની શુક્રવારે સુનાવણી થશે.
જસ્ટીશ શૈલેન્દ્રસિંહ, જસ્ટીસ અણકુમાર ઝા, જસ્ટીસ જીતેન્દ્રકુમાર, જસ્ટીસ આલોકકુમાર પાંડે, જસ્ટીસ સુનિલદત્ત મિશ્રા, જસ્ટીસ ચંદ્રપ્રકાશસિંહ અને જસ્ટીસ ચંદ્રશેખર ઝા તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ તમામ ન્યાયાધિશોની ન્યાયિક સેવા કોટામાંથી ૨૨ જૂને જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જજ બન્યા બાદ તેના જીપીએફ ખાતા બંધ કરી દેવામાં આવ્યા હતા. સરકારના કહેવા મુજબ આ તમામ ન્યાયાધિશોના જીપીએફ ખાતા એટલે બંધ કરી દેવામાં આવ્યા છે કે તેઓ ૨૦૦૫ પછી ન્યાયિક સેવામાં નિયુક્ત થયા હતા.
જીપીએફ અથવા જનરલ પ્રોવિડન્ડ ફંડ પણ એક પ્રકારનું પ્રોવિડન્ડ ફંડ હોય છે. જો કે તેને માત્ર સરકારી કર્મચારીઓ જ ખોલી શકે છે. પગારદારોની જેમ સરકારી કર્મચારીઓને પણ આમાંથી પોતાના પગારની અમુક રકમ જમા કરવાની હોય છે જે રિટાયરમેન્ટ પછી કર્મચારીઓને મળે છે જે એક રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય છે.