પતિઓના પાપની સજા રાજકોટની બે મહિલા કોર્પોરેટરને મળી, ભાજપે બંનેને સસ્પેન્ડ કર્યા

જનતાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓનું કામ જનતાની સેવાનું હોય છે. પરંતુ એવા ઘણા નેતાઓ હોય છે જે સેવા તો નથી કરતાં પરંતુ મોટા મોટા કૌભાંડ કરી પોતાના ખિસ્સા ભરવાનું કામ કરે છે. રાજકોટમાં આવા જ બે મહિલા કોર્પોરેટર છે જેમના પતિઓએ મોટા મોટા કારસ્તાન કર્યા અને સરકારી જમીનો હડફ કરી તેમાં કાળી કમાણી શરૂ કરી દીધી. થોડા સમય પહેલા જ સામે આવેલા આવાસ યોજનાના કૌભાંડ બાદ વધુ એક નવું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે કોણ છે આ બન્ને કૌભાંડી કોર્પોરેટરના પતિ? શું કર્યું નવું કારસ્તાન? 

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત BJP એ મોટો નિર્ણય લીધો છે. આવાસ કૌભાંડમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. બે મહિલા કોર્પોરેટરોને તેમના પતિઓના કૌભાંડોને કારણે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. રાજકોટના કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંનેને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિશે રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે, પ્રદેશ કક્ષાના નિર્ણય મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ કમિટીમાં બન્ને કોર્પોરેટરોના પતિની ગેરરીતિ સામે આવી છે. 

રાજકોટની જનતાએ જે જનપ્રતિનિધિને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલ્યા હતા તે વજીબેન ગોલતરના પતિ કૌભાંડી હશે તેનો ભોળી જનતાને ખ્યાલ નહીં હોય. સેવા કરવાના મોટા મોટા દાવા કરીને જનપ્રતિનિધિ બનેલા વજીબેન ગોલતરના પતિએ એવું કામ કર્યું કે તેના કારણે જે જનતાએ તેમને ચૂંટ્યા હતા તે જ જનતા આજે પછતાઈ રહી છે. રાજનીતિ સેવા કરવાનું માધ્યમ છે. પરંતુ ભાજપના આ કૌભાંડી કોર્પોરેટરે સેવા તો ના કરી, હા પોતાના ખિસ્સા જરૂર ભર્યા. પહેલા ગરીબોનો હક્ક છીનવી પોતાના પરિવારજનોના નામ પર આવાસ યોજનાના મકાનો લઈ લીધા. હવે બીજુ એક કૌભાંડ તેમણે સરકારી જમીનમાં કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમન પાર્ક પાસે આવેલા ખુલ્લી જગ્યા જે સરકારી જમીન છે. તેના પર આ કૌભાંડી ગોલતરે ઓરડીઓ બનાવી દીધી. ગેરકાયદે 100 જેટલી ઓરડીઓ બનાવી તેને ભાડે આપી દીધી. કેટલીક તો બારોબાર વેચી પણ મારી.

ગોટાળાબાજ ગોલતરે પહેલા તો ઢોર બાંધવા માટે સરકારી જમીનનો ઉપયોગ શરૂ કર્યો. ત્યારપછી જમીન હડફ કરી લીધી. અને પછી  ત્યાં ખોટી રીતે ઓરડીઓ બાંધી દીધી. અને આ ઓરડીઓ ભોળી જનતાને વેચી મારી. જેના કારણે હવે જેણે આ ઓરડીઓ ખરીદી તેમને પૈસાની સાથે ઓરડી પણ ગુમાવવાનો વારો આવશે. 

તો આ મામલે વિપક્ષ કોંગ્રેસ સત્તાપક્ષ સામે હાવી થઈ ગયો છે. કારણ કે કૌભાંડી ગોલતર ભાજપના મેન્ડેટ પર ચૂંટાયા હતા. ભાજપના બે કોર્પોરેટરના કારસ્તાનમાં તંત્રનું મૂક સમર્થન હોય તેવો આક્ષેપ કોંગ્રેસના નેતાએ કર્યો છે. 

તો કૌભાંડી કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવ સામે ભાજપે મોટી કાર્યવાહી કરતાં બન્નેને છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, ભાજપની કમિટીએ કરેલી તપાસ બાદ ગેરરીતિ સામે આવતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

જનતા તમને ચૂંટીને સેવા કરવા માટે મોકલે છે. જનતાના પ્રતિનિધિ બનીને જનતાને પડતી મુશ્કેલીઓનું સમાધાન કરવાનું કામ જનપ્રતિનિધિઓનું હોય છે. પરંતુ રાજકોટના આ બન્ને કોર્પોરેટરે જનતાનું તો કોઈ કામ ન કર્યું. પરંતુ પોતાનું ઘર ચોક્કસ ભર્યું….મળેલી સત્તાનો દુરુપયોગ કરીને જનતાનો જ હક છીનવવાનું કામ કર્યું. અને ભોળી જનતાને છેતરીને આ બન્નેએ લાખોની કાળી કમાણી કરી લીધી. ત્યારે જનતાએ આવા કૌભાડીઓથી સાવચેત રહેવાની જરૂર છે.