પતિએ પ્રેમિકા સાથે રહેવા પત્નીને ત્રાસ આપ્યો:પતિને ઓફિસમાં પ્રેમસંબંધ બંધાતા પત્નીને તલાક આપવા દબાણ કર્યું, પરિણીતાએ ના પાડતા ગડદાપાટુનો માર માર્યો

સરખેજ વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પરિણીતાના પતિને નોકરી દરમિયાન અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની સાથે લગ્ન કરવા માટે પરિણીતાનો પતિ તેને તલાક આપી દેવા દબાણ કરતો હતો. ફક્ત એટલું જ નહીં પરિણીતાને વારંવાર ગડદાપાટુનો માર પણ મારતો હતો. અંતે કંટાળીને પરિણીતાએ પોલીસને જાણ કરતાં પોલીસએ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી પરિણીતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. લગ્ન બાદ પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો ત્યાં સુધી તેના સાસરિયા તેને સારી રીતે રાખતા હતાં. બાદમાં નાની-નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું અને તેને બોલાવવાનું ઓછું કરી દીધું હતું. બીજી દીકરીના જન્મ બાદ તેનું વર્તન વધારે બદલાઇ ગયું હતું. પરિણીતાને તેના પતિના મોબાઇલ ફોનના મેસેજ પરથી જાણવા મળ્યું હતું કે, અગાઉ તે નોકરી કરતો હતો ત્યાંની કોઇ મહિલા સાથે તે સંપર્કમાં હતો.

તેની સાથે તે વાતચીત કરતો હતો. જોકે, આ બાબતે પરિણીતાએ તેના પતિને વાત કરતા તેણે કહ્યું હતું કે, આ મહિલા તેની ફ્રેન્ડ છે, અત્યારે તેને સાસરીમાં તકલીફ છે એટલે તેને મદદ કરે છે. જોકે, થોડા સમય બાદ તેણીને ખબર પડી કે, તે આ મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છે છે ને જ્યારે તેણે પતિને પૂછ્યું ને તેના પતિને આ બધુ છોડી દેવા માટે કહેતા તે ઇમોશનલ થઇને સારી-સારી વાતો કરતો. તેના સાસુ પણ મેણા મારતા હતાં કે, તે બે દીકરીઓને જન્મ આપેલ છે મારે વારસદાર જોઇએ છે.

મહિલાને 11 વર્ષની દીકરી હોવા છતા પતિએ તેની સાથે લગ્ન કરવાની જીદ છોડી ના હતી અને છેલ્લા છ મહિનાથી પરિણીતાને તલાક આપી દેવા માટે દબાણ કરી મારઝુડ કરતો હતો. એટલું જ નહીં ઘરમાંથી કાઢી મુકવાની પણ ધમકી આપતા હતાં. લગ્નની શરૂઆતથી જ તેનો પતિ તેના પર શંકા રાખતો હતો. આસપાસ પાડોશમાં તેમજ પિયર પક્ષમાં કોઇની સાથે વાતચીત કરવા દેતો નહી. લગ્ન પ્રસંગોમાં પણ જવા દેતો નહીં. પરિણીતાના નાની ગુજરી ગયા હતાં ત્યારે તેને બેસણામાં પણ જવા દીધી ના હતી.

છેલ્લા કેટલાક સમયથી પરિણીતાના પતિએ તેનો ફોન પણ પોતના કંટ્રોલમાં કરી દીધો હતો તેમજ ધમકી આપતો હતો કે, તું કોઇ પોલીસ ફરીયાદ કરીશ તો હું બધા કાયદા જાણું છું અને તું કંઇ નહીં કરી શકે. ડિસેમ્બર 2024માં તેના પતિએ બીજા લગ્ન કરી દીધા હોવાનું કહેતા પરિણીતાએ વિરોધ કર્યો હતો. તે સમયે તેના પતિએ તેને માર મારી મોઢા પણ મોબાઇલ ફોન માર્યો હતો. પતિના ત્રાસથી પરિણીતા તેના પિયરમાં આવી હતી. જોકે, સમાજના કેટલાક આગેવાનો મારફતે સમાધાનની વાત કરતાં કેટલાક લોકો એકઠા થયા હતાં.

જ્યાં તેના પતિએ ઝઘડો કરીને પરિણીતાને ગડદાપાટુનો માર માર્યો હતો અને કહ્યું હતું કે, મે બીજા લગ્ન કરી લીધા છે, મારે ખાલી બધા વચ્ચે ડીક્લેર કરવાનું બાકી હતું. આમ પરિણીતાને ચક્કર આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.