- લાભાર્થી દર્દીઓએ નિષ્ણાંત તબીબોની અને સંજીવની રથની સેવાનો લાભ લીધો.
મલેકપુર : મહીસાગર જીલ્લા કલેકટર નેહાકુમારીએ દેનાવાડ કેમ્પસ ખાતે બાવન પાટીદાર સામાજીક શૈક્ષણિક વિકાસ સંસ્થા દ્વારા આયોજીત સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પને દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જીલ્લા કલેકટરે તબીબોની સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે, કોઈપણ રોગનું વહેલું નિદાન દર્દીને ઝડપ થી અને સરળતાથી સ્વસ્થતા બક્ષે છે અને વહેલા નિદાન માટે નિષ્ણાંત ડોકટરની તપાસ અને સારવાર માર્ગદર્શન જરૂરી છે. ત્યારે ઘરઆંગણે આ મેડીકલ કેમ્પમાં સ્થાનિક અને મોટા શહેરોના નિષ્ણાંત ડોકટર તેમની ટીમ તથા સંજીવની રથ ઉપસ્થિત છે, તો તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. આ મેડીકલ કેમ્પમાં કાર્ડિયાક, સ્ત્રીરોગ, ઓર્થોપેડીક,ન્યુરોલોજી, ડેન્ટલ, એક્યુપંચર સહીત વિવિધ રોગના નિષ્ણાંત ડોકટર અને તેમની ટીમે ઉપસ્થિત રહી દર્દીઓની તપાસ કરી સારવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિવિધ પ્રકારના ટેસ્ટ, ઇ.સી.જી તપાસ, ઓ.પી.ડી. સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત કેન્સર એન્ડ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના કેન્સર સ્ક્રીનીંગ પ્રોજેકટ આરંભિત સંજીવની રથ દ્વારા એચ.પી.વી.વાયરસ ટેસ્ટ, મેમોગ્રાફીની સેવા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ છે કે, મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની શકયતા તપાસવા એચ.પી.વી.વાયરસ ટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરની શક્યતા તપાસવા મેમોગ્રાફી આ બંને ટેસ્ટ જે મોટા શહેરોમાં અંદાજે નવ હજાર રૂપિયામાં થાય છે, તેવા ટેસ્ટ પણ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા. સમગ્ર મેડીકલ કેમ્પમાં સંયોજક ગાયનેકોલોજીસ્ટ ડો. આર.બી.પટેલ સહીત કાર્ડિયાક વિભાગમાં ડો. દિલીપ સંઘવી, ડો.પાર્થ પટેલ, ડો. જીગર પટેલ, ડો. પિન્કેશ પરમાર, સ્ત્રી રોગ વિભાગમાં ડો. કિંજલ પટેલ, ઓર્થોપેડિક વિભાગમાં ડો. જય પટેલ, ડો. સોહમ પટેલ, જનરલ સર્જન ડો. બીરેન પટેલ, ન્યુરોસર્જન ડો. નિમેશ પટેલ, ડેન્ટલ વિભાગમાં ડો.જીમી પટેલ, ડો. જીલ પંડ્યા, ડો.અમીત પટેલ સહિતના તબીબોએ આરોગ્ય સેવા આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થી દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પાટીદાર સામાજીક શૈક્ષણિક વિકાસ સંસ્થાના પ્રમુખ, મંત્રી સહીત હોદ્દેદારો સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.