મોરબીના શનાળા ગામે રહેતા અને ટ્રાવેલ્સમાં નોકરી કરતા યુવાનની પત્નીને તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારજૂડ કરતા હતા જેથી પરણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જો કે, પરણીતાએ અંતિમ પગલું ભરતા પહેલા મોબાઇલની અંદર વિડીયો બનાવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચમાં આવેલ નવીનગરી કુકરવાડા રોડ ખાતે રહેતા કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (૩૨)એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ તેમજ તેઓના પરિવારજન સામે ફરિયાદીની બહેન રેખાબેનને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે,
જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના મોટા બહેનના આઠેક મહિના પહેલા હસમુખભાઈ સાથે કોર્ટ મેરેજ થયા હતા અને ત્યારબાદ ફરિયાદીની બહેનને હસમુખભાઈ પટેલ અને તેના પરિવારજનો દ્વારા ખોટા બહાના કરીને તેમજ ચારિત્ર્યની ખોટી શંકા કરીને મારજૂડ કરવામાં આવતી હતી તેમજ શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને રેખાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે મહિલાના પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વધુમાં મૃતક મહિલાના ભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેની બહેનના અગાઉ લગ્ન થયા હતા અને તેને ૧૫ વર્ષનો એક દીકરો પણ હતો. જોકે તે સહજાનંદ ટ્રાવેલ્સમાં અવારનવાર આવતી જતી હોય તે હસમુખભાઈ પટેલના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ તેને પહેલા જે જગ્યાએ લગ્ન થયા હતા ત્યાંથી છુટાછેડા લીધા બાદ આઠેક મહિના પહેલા હસમુખભાઈ પટેલની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.પરંતુ થોડા મહિનાઓ બાદથી તેને હસમુખભાઈ પટેલ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના ચારિત્ર્યની શંકા કરીને ખોટા બહાના કરીને તેને ત્રાસ આપતા હતા જેથી કરીને આ બાબતે તેની બહેને ફરિયાદી સાથે ફોન ઉપર અવારનવાર વાત કરી હતી.
છેલ્લા દિવસોમાં મૃતક તેના ભાઈ સાથે સતત સંપર્કમાં હતી જેથી ફરિયાદીએ જે તે સમયે ગૂગલ સર્ચ કરીને મોરબી મહિલા પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસને આ બનાવની જાણ કરી હતીને પોલીસને તેની બહેન કોઈ અઘટી પગલું ભરે ત્યારે પહેલા ત્યાં પહોંચવા માટે કહ્યું હતું જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પહેલા મહિલાએ આપઘાત કરી લીધેલ હોવાનું પોલીસે તેને ફોનથી જણાવ્યું હતું.
વધુમાં મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે તેની બહેને અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલ ફોનની અંદર એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેના પતિ તેને ગાળો આપે છે, ત્રાસ આપે છે અને તેનું સાંભળતા નથી સહિતની બાબતોનો તેને ઉલ્લેખ કર્યો છે અને ત્યારબાદ તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.પોલીસે હાલમાં મૃતક મહિલાનો મોબાઇલ ફોન કબજે લઈને આગળની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.